ગાંધીનગર:

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે નિર્દયી ભાજપ સરકાર એક તરફ લોકોને મોંઘવારીના ડામ આપીને લૂંટી રહી છે. જ્યારે બીજી તરફ પશુપાલકો અને ખેડૂતોને ઠેંગો બતાવી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં દૂધના ભાવમાં લીટરે રૂપિયા 2 નો વધારો કર્યો છે, એટલે કે ગુજરાતના માસિક બજેટ ઉપર રૂપિયા 60 કરોડ અને વાર્ષિક બજેટ ઉપર રૂપિયા 720 કરોડનો બોજો નાંખ્યો છે. જો કે, દૂધના ભાવમાં કરાયેલા વધારાથી પશુપાલકોને કોઈ લાભ આપવામાં આવ્યો નથી.

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોજનું 60 લાખ લીટર અમૂલ દૂધ અને 40 લાખ લીટર છૂટક દૂધનું વેચાણ થાય છે. અમૂલના ભાવ વધતા અન્ય દૂધના વેપારીઓ દ્વારા પણ દૂધના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે ગુજરાતમાં રોજના 1 કરોડ લીટર દૂધના વેચાણ ઉપર રૂપિયા 2 નો બોજો એટલે દૈનિક રૂપિયા 2 કરોડનો ડામ નાગરિકોને અપાયો છે. આ રકમ મહિનાની રૂપિયા 60 કરોડ અને વર્ષની રૂપિયા 720 કરોડ થી વધુની રકમ જવા જાય છે. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યની ભાજપ સરકાર દૂધના ભાવમાં જે વધારાને નજીવો કહી રહી છે, નજીવા વધારાની રકમ વર્ષે રૂપિયા 720 કરોડની લૂંટ છે. આમ, સામાન્ય જનતાને પેટ્રોલ, ડીઝલ, એલપીજી સિલિન્ડરમાં ભાવ વધારાના ડામ આપ્યા બાદ ભાજપ સરકાર હવે નિર્દયી બનીને જનતાને દૂધમાં પણ દઝાડી રહી છે.