પાટણ,તા.૧૧ 

શુક્રવારે મોડી સાંજે પાટણ શહેર તેમજ સિધ્ધપુર, ચાણસ્મા, સરસ્વતી અને શંખેશ્વર વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડતા માર્ગો પર પાણી વહેતાં થયા હતાં. પાટણ શહેરમાં રેલવે ગરનાળા નીચે પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર અવરોધાયો હતો અન્ય નીચા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદના પગલે ગરમી અને ઉકળાટમાં રાહત અનુભવી હતી.પાટણ શહેરમાં સાંજે પાંચ વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને પંદરથી વીસ મિનિટ સુધી ચાલુ રહેતા ૧૩ મીમી વરસાદ થતા રેલવે ગરનાળા, ગૌરવ પથ, પારેવા સર્કલ,  ટેલિફોન એક્સચેન્જ રોડ પર કર્મભૂમિ સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા હતા. રેલવે ગરનાળામાં સાયકલ, સ્કૂટર વગેરે પસાર ન થઈ શકે જેટલું પાણી ભરાયું હતુ. જોકે વરસાદના કારણે ગરમીમાં રાહત મળી હતી આખા દિવસથી લોકો ગરમી અને ઉકળાટથી પરેશાન હતા. જિલ્લામાં સિધ્ધપુર હળવા છાંટા પડ્યા હતા. સરસ્વતી તાલુકાના નાયતા અને કાંસા વિસ્તારમાં ૮ મીમી ઝાપટું વરસ્યું હતું. ચાણસ્મા  ખાતે ૧૨ મીમી અને હારિજમાં હળવો વરસાદ થયો હતો. શંખેશ્વર માં ૧૧ મીમી વરસાદ નોધાયો હતો.