વડોદરા : બીસીએ દ્વારા આયોજિત મહારાજા ફતેસિંહરાવ ગાયકવાડ ઈન્ટર ડિસ્ટ્રિકટ અન્ડર-૧૯ વનડે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ પાટણ અને નવસારી વચ્ચે ડભોઈ ખાતે રમાઈ હતી, જેમાં પાટણની ટીમનો ૯ વિકેટે વિજય થયો હતો. વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી.  

બીસીએ દ્વારા બે વર્ષ બાદ મહારાજા ફતેસિંહરાવ ગાયકવાડ ઈન્ટર ડિસ્ટ્રિકટ અન્ડર-૧૯ વનડે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૮ ટીમોએ ભાગ લીધો હતો. આજે ડભોઈ ખાતે પાટણ અને નવસારી વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા નવસારીની ટીમ ૪પ ઓવરમાં ૧ર૧ રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જ્યારે પાટણની ટીમના ઓપનર આર્ય પટેલ અને વિશ્વાસ સુથારે શાનદાર બેટિંગ કરતાં પાટણની ટીમે ૨૧મી ઓવરમાં એક વિકેટના નુકસાને વિજય લક્ષ્યાંક હાંસલ કરી લઈ ૯ વિકેટે વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમને ટ્રોફી અને ઈનામ આપી બીસીએના હોદ્દેદારો, પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.