ઓલપાડ,તા.૩૧ 

કોરોનાએ શહેરી વિસ્તાર બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઝડપી ગતિએ પગપેસારો કરી અનેક લોકોને સંક્રમિત કરતા વિવિધ સમાજના અગ્રણીઓમાં ચિંતાના વાદળો ઘેરાયા છે,ત્યારે ચિંતાના વાદળોમાં તળપદા કોળી પટેલ સમાજ પણ જોડાયું છે.જેના ભાગરૂપે તળપદા કોળી સમાજના ૧.૭૫ લાખ લોકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરી ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરી છે.

સને-૧૯૫૨ થી સમાજના લોકોના ઉત્થાનનું ભગીરથ કાર્ય કરતા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ જયંતિ પટેલ,અધ્યક્ષ રમેશચંદ્ર પટેલ તથા મંત્રી હસમુખ બી.પટેલે જણાવ્યું કે કોરોના(કોવિદ-૧૯)નામના શેતાને સમગ્ર વિશ્વને અજગરી ભરડામાં લેતા માનવજાતના આરોગ્ય સામે ભયંકર ખતરો જણાઇ રહ્યો છે.જ્યારે શરૂઆતના તબક્કામાં કોરોનાના કહેરે શહેરી વિસ્તારના રહીશોને તાર્ગેટમાં લીધા બાદ હવે દિન-પ્રતિદિન ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.સરકારી તંત્રની વારંવારની અપીલ છતાં પણ કેટલાક લોકો કોરાનાને નાથવાની ગાઇડ લાઇનનું પાલન કરવામાં કચાસ રાખતા કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.જેથી સુરત શહેર ઉપરાંત ઓલપાડ,ચોર્યાસી તાલુકામાં વસતા તળપદા કોળી પટેલ સમાજના લોકોના તંદુરસ્ત આરોગ્યની ટ્રસ્ટીમંડળે ચિંતા કરી છે.તેઓએ કોરોના મહામારીની ગાઇડ લાઇનના પેમ્લેટો અને ૧.૭૫ લાખ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરી લોકોને તેનું પાલન કરવા અપીલ કરી હતી.આ ભગીરથ કાર્યમાં ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત કોળી સમાજના કાર્યકરોએ સુરત શહેર સહિત બંન્ને તાલુકાના ગામોમાં ફરી માસ્ક અને પેમ્પલેટનું વિતરણ કર્યું હતું.