સુરત-

સુરત પાસ નેતા ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર ત્રણમાંથી પોતાની ઉમેદવારીપત્ર ભરવા માટે વેસુ સુડા ભવન ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. કોંગ્રેસના મોવડીમંડળ સાથે થયેલી ચર્ચા મુજબ ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર ૧૭માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસબેન સંજયભાઈ ધોરાજિયાને ટિકિટ આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. વિલાસ ધોરાજિયાને ટિકિટ ન આપતાં ઉમેદવારી ન ભરવાનો ર્નિણય કર્યો હતો. ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે અન્યાય કર્યો; હવે કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં સભા કરી બતાવે. અત્રે ઉલ્લેખનીય છે કે ધાર્મિક ઉમેદવારી નોંધવવા માટે બળદગાડામાં નીકળ્યો હતો.

ઉમેદવારીપત્ર ભરવા સુધી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય નેતાઓ સાથે સતત ધાર્મિક માલવિયાએ સંપર્ક કર્યો હતો અને તેમના દ્વારા વિલાસબેન ધોરાજિયાને ટિકિટ આપવા માટે મેન્ડેટ આપી દેવામાં આવશે એ પ્રકારની વાત કરી હતી. એને ધ્યાનમાં લઈને ધાર્મિક માલવિયાએ પણ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટેની પૂર્વતૈયારીઓ કરીને ચૂંટણીઅધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. ઉમેદવારીપત્ર ભરવા પહેલાં તેમણે ફરી એક વખત વિલાસબેન ધોરાજિયાને ટિકિટનો મેન્ડેટ આપવામાં આવ્યો છે કે કેમ એની તપાસ કરી હતી. જ્યારે ધાર્મિકને જાણવા મળ્યું કે હજી સુધી તેમને મેન્ડેટ આપવામાં આવ્યો નથી. જેથી કરી તેમણે પણ ઉમેદવારીપત્ર ભરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો પર જે પણ ફોજદારી કેસો દાખલ થયા હતા એ તમામ કેસો વિલાસબેન ધોરાજિયાના પતિ સંજયભાઈ ધોરાજિયા પાટીદારોની તરફેણથી કેશોદ લડતા હતા. પાટીદાર અનામત આંદોલન વખતે સંજયભાઈ ધોરાજિયાએ આપેલા સહયોગને કારણે તેમની પત્નીને ટિકિટ આપવામાં આવે એ પ્રકારની માગણી ધાર્મિક માલવિયા દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા વિલાસબેનને ટિકિટ આપવાનું વચન પણ ધાર્મિક માલવિયાને આપ્યું હતું, પરંતુ અંતિમ ઘડીએ વિલાસબેન ધોરાજિયાને મેન્ડેટ ન આપીને કોંગ્રેસે ફેરવી તોળ્યું હતું.