છોટાઉદેપુર

પાવીજેતપુર હાઈસ્કૂલમાં આચાર્ય તેમજ બે શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા શિક્ષણ આલમમાં ગભરાટની લાગણી પ્રસરી છે. છોટાઉદેપુર જિલ્લાની કેટલીક શાળાઓમાં શિક્ષકો પણ કોરોનામાં સપડાયા છે.કેટલાક દિવસથી પાવીજેતપુર હાઈસ્કૂલમાં શિક્ષક પ્રદીપભાઇ વાઘેલાને પાવીજેતપુર મુકામે આવેલા કોરોના ચેકઅપ કેમ્પમા ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હોઈ તેમજ તેમની સાથે અન્ય નોકરી કરતા ગોરધનભાઈ રાઠવા જેઓ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેઓને પણ કોરોના પોઝિટિવ આવતા બંને શિક્ષકોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જેમાં પ્રદીપભાઈનું હોમ કવોરનટાઈન પૂરું થતા તેઓ હાલ સ્કૂલમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે બે દિવસથી પાવીજેતપુર હાઈસ્કૂલના આચાર્ય સંજયભાઈ શાહનું માથું દુખતું હોય તેમજ અન્ય તકલીફ થતી હોય તે અંગે પોતાના તબીબને બતાવતા તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવવાનું કહેતા તેઓએ ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા તેઓને પણ હોમ કવોરનટાઈન કરવામાં આવ્યા છે.કોરોનાના કહેરના કારણે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો, પરંતુ છોટાઉદેપુર જીલ્લાના ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થી-વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ તેમજ નેટવર્ક ની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે એ શક્ય બની શકતું નથી. તેથી ગામડાઓમાં બાળકોને ભેગા કરીને માર્ગદર્શન આપવાનું નક્કી કરવામાં આવતા ગ્રામીણ કક્ષાએ શિક્ષકો જવા માંડ્યા પરંતુ પાવીજેતપુર હાઇસ્કૂલના આચાર્ય સહિત ત્રણ શિક્ષકોને કોરોના થઈ ગયો હોઇ, તેજગઢ હાઈસ્કૂલમાં બે શિક્ષકોને, સંખેડા તાલુકામાં પાંચ શિક્ષકોને, છોટાઉદેપુર એસ.એફ. હાઈસ્કૂલમાં ૨ શિક્ષકોને કોરોના થઈ ગયો હોય અને આવા શિક્ષકો જાે ગામડાઓમાં જશે કે આ શિક્ષકો શાળા ઉપર જશે તો અન્ય શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓને સંક્રમણ થવાનો ભય શિક્ષણ આલમમાં સતાવી રહ્યો છે.પાવીજેતપુર હાઇસ્કૂલના શિક્ષક પ્રદીપભાઇ વાઘેલાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન થતી હોય પરંતુ પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ચેકઅપ કેમ્પ આવ્યો હોય જેમાં જઈને ચેકઅપ કરાવતા માલુમ પડ્યું હતું . પ્રદીપભાઈને કોરોના છે. એ અંગે જરૂરી પગલાં લઇ હોમ કવોરાનટાઈન થઈ જતાં હાલ તેઓ સુરક્ષિત છે. પરંતુ આવા કેટલાક શિક્ષકો હોય તેઓને કોરોના વાયરસ થયેલો હોય તેની તેઓને પોતાને પણ ખબર ન હોય અને તેવા શિક્ષકો જાે ગામડાઓમાં જશે અને જ્યાં હાલ કોરોના ફેલાયો નથી ત્યાં પણ આ કોરોના શરૂ થવાનો ભય જનતાને સતાવી રહ્યો છે. વિદ્યાર્થી , વાલીઓને પણ આવે તો તેમાં નવાઈ નહીં. શિક્ષકોને તો કોરોના આવી રહ્યો છે પરંતુ વિદ્યાર્થીઓ,વાલીઓને પણ કોરોના પોઝિટિવ આવશે તો આના માટે જવાબદાર કોણ ? આ પ્રશ્ન શિક્ષણ આલમમાં ચર્ચાઈ રહ્યો છે.રાજ્ય સરકારે પરિપત્ર બનાવી શિક્ષકોની સુરક્ષા પણ જળવાઈ રહે તે હેતુસર ૫૦ % શિક્ષકોને બોલાવી શિક્ષણકાર્ય ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ શિક્ષકો ગામડાઓમાં જશે તો ગામમાં પણ કોરોનાનું સંક્રમણ થાય તેવી ભીતી જનતાને સતાવી રહી છે ત્યારે તંત્ર વ્યવહારુ બની આ અંગે યોગ્ય ર્નિણય લે તે જરૂરી થઇ ગયું છે.છોટાઉદેપુર જિલ્લાની હાઇસ્કૂલના શિક્ષકોને કોરોના પોઝેટીવ થઈ રહ્યા છે ત્યારે કોરોનાનું સંક્રમણ ગામડાઓમાં ન થાય તેમજ વિદ્યાર્થીઓ વાલીઓને પણ સંક્રમણ ન લાગે તે માટે તંત્ર દ્વારા નક્કર આયોજન કરવું જાેઈએ તેવી સજાગ વાલી , વિદ્યાર્થીઓને બુલંદ માંગ ઉઠી છે.