વડોદરા, તા.૨૧ 

વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકોમાં અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓ પૈકી શહેરની પીસીબીની ટીમે ૫૭ જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસ વર્તુળમાંથી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના સયાજીગંજ, ગોરવા, છાણી, સમા, ગોત્રી, કારેલીબાગ, હરણી, બાપોદ, સિટી, વાડી, મકરપુરા, રાવપુરા, નવાપુરા, ફતેગંજ, પાણીગેટ અને માંજલપુર પોલીસ મથકોમાં અલગ અલગ ગુનાઓ કેટલાક આરોપીઓ છેલ્લા દોઢ માસથી પોલીસની ધરપકડથી બચવા માટે નાસતા ફરતા હતા. પીસીબી (પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમોએ પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ, સંયુક્ત પોલીસ કમિશનરની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ડ્રાઈવ યોજી હતી. આ દરમિયાન ૫૭ આરોપીઓને પોલીસની ટીમોએ ઝડપી પાડયા હતા અને ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.