વડોદરા, તા.૩૧

શહેર નજીક આવેલ આજવા ગાર્ડન પાસે એક ફાર્મમાં બે મોર મૃત અવસ્થામાં જાેવા મળતાં વન વિભાગે એક મોર અને ઢેલને વન વિભાગ ખાતે લાવી મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. આજે બપોરે સંસ્થા વાઈલ્ડ લાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર આજવા ગાર્ડન પાસે આવેલ મારુતિ ફાર્મમાંથી અનિલભાઈનો ફોન આવ્યો હતો કે, તેમના ફાર્મમાં બે મોરના મૃત્યુ થયા છે. પક્ષીઓના મૃત્યુ થતાં પક્ષીપ્રેમીઓમાં ગમગીની ફેલાઇ હતી.

આ કોલ મળતાંની સાથે જ સંસ્થાના કાર્યકર અરુણ સૂર્યવંશી અને બીજા કાર્યકરો તેમજ વાઘોડિયા વન વિભાગના અધિકારીની સાથે ત્યાં પહોંચી ગયા હતા. સ્થળ પર જાેતાં બે મોર મૃત અવસ્થામાં જાેવા મળ્યા હતા. જેમાં એક મોર અને એક ઢેલ હોવાનું માલૂમ પડયું હતું. જેને વાઘોડિયા વન વિભાગને સોંપવામાં આવ્યા હતા અને વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ મોરના મૃત્યુના કારણો જાણવા માટે પોસ્ટ મોર્ટમ થયા પછી જ જાણવા મળશે. આજવા ગાર્ડન પાસે મોર અને ઢેલનું મૃત્યું થતાં પક્ષીપ્રેમીઓમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ હતી. મોર અને ઢેલના મોતનું સાચું કારણ જાણવા માટે વાઘોડિયા વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.