રાજકોટ-

સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતી મગફળીની હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જ્યારે યાર્ડમાં ખુલ્લી બજારમાં પણ હાલ મગફળીના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જેને લઈને યાર્ડમાં અત્યારે મગફળીની આવકમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટના મોરબી રોડ પર આવેલ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ખુલ્લી બજારમાં મગફળી વેચવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી આવેલા ખેડૂતોના વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. યાર્ડથી ત્રણ કિલોમીટર સુધી આ વાહનોની કતાર જોવા મળતા આજે કુતુહલ સર્જાયું હતું.

હાલ રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે. જ્યારે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખુલ્લી બજારમાં હરાજી થઈ રહી છે. જેને લઇને મોટા ભાગના ખેડૂતો હાલ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની મગફળી લઈને પહોંચી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના અલગ-અલગ જિલ્લાના ખેડૂતો મગફળીના ખુલ્લી બજારમાં સારા ભાવ મળતા હોવાના કારણે રાજકોટ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં વાહનોમાં માલ ભરીને આવી રહ્યા છે. જેને લઈને યાર્ડ બહાર ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી.