વલસાડ,તા.૮  

 છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન ધોવાણ થઈ અતિ જર્જરિત થયેલ પીઠા- સારંગપુરને જોડતા ઔરંગા નદીનો પુલ તંત્રના પાપે ધરાસાઈ થવાની સ્થિતિમાં ભયજનક રીતે ઉભો છે.છેલ્લા કેટલાક વર્ષોથી લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબુર બન્યા છે. પરંતુ તંત્ર કોઈક મોટી હોનારતની રાહ જોઈને બેઠું હોય તેમ પુલ બાબતે બેદરકાર બન્યું છે.આ વર્ષના પ્રથમ વરસાદમાં જ પીઠા તેમજ સારંગપુર ગામને જોડતા ઔરંગા નદી પરના પુલ ઉપર પાણી ભરાઇ જતા અવર જવર કરતા લોકો માટે જીવલેણ સાબિત થયું છે. કેટલાક વર્ષોથી પીઠા અને સારંગપુરને જોડતા પુલ ના નિર્માણ માટે માત્રને માત્ર વાતો જ થઈ રહી છે. બે વર્ષ પહેલાં ચોમાસામાં જર્જરિત થઈ ગયેલા આ પુલના મરમમત માટે મટેરિયલ નાખવામાં આવ્યું હતું. પરંતુ જિલ્લા પંચાયતની બેદરકારીને કારણે નાખવામાં આવેલ મટેરિયલ વરસાદી પાણીમાં વહી ગયું હતું.તે સમયના પીઠા અને સારંગપુર બંને ગામની પ્રજાએ પણ પુલની ખખડધજ અવસ્થાને કારણે તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. ગત વર્ષના ચોમાસા બાદ પુલનું નિર્માણ કરાશે એમ સમજી લોકોએ ધીરજ રાખી હતી. બીજું ચોમાસુ આવી ગયું, પણ તંત્રે પુલનું રીપેર કામ પણ કરાવ્યું નથી. બંને બાજુની જમીન કરતા પુલ નિચાણવાળો હોવાથી વધારે વરસાદમાં પાણીના ભરાવાને કારણે પાણીમાં ડૂબી જાય છે.સતત ધોવાણને કારણે પુલ નબળો અને જર્જરીત બન્યો છે. ખખડધજ હાલતમાં રહેલ આખા પુલ પર ખાડાઓ પડી ગયા છે. પુલના નિર્માણ કામમાં વાપરવામાં આવેલ લોખંડના સળિયા બહાર દેખાઇ રહ્યા છે. પીઠા તરફથી પુલ પર ઉતરતા કમરતોડ ખાડાઓમાંથી પાસાર થવું પડે છે.