દિલ્હી-

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કોર્ટની નિગરાણીમાં વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસ કરાવવાની અને સોફ્ટવેરની ખરીદી પર રોક લગાવવાની માગણી કરાઈ છે. અરજીમાં ભલામણ કરાઈ છે કે પત્રકારો, કાર્યકરો, નેતાઓ અને અન્યની ઈઝરાયેલી સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરીને સરકારી એજન્સીઓ દ્વારા કથિત રીતે જાસૂસી કરાવવાના રિપોટ્‌ર્સની એસઆઈટી દ્વારા તપાસ કરાવવામાં આવે.

વકીલ એમ એલ શર્મા દ્વારા દાખલ થયેલી અરજીમાં કહેવાયું છે કે પેગાસસકાંડ ઊંડી ચિંતાનો વિષય છે અને તે ભારતીય લોકતંત્ર, ન્યાયપાલિકા અને દેશની સુરક્ષા પર ગંભીર હુમલો છે. વ્યાપક સ્તર અને 'કોઈ પણ જવાબદારી' વગર નિગરાણી કરવી 'નૈતિક રીતે ખોટું' છે. તેમણે કહ્યું છે કે સ્પાયવેરનો ઉપયોગ વ્યાપક સ્તરે કરાયો છે.અરજીકર્તાએ કહ્યું છે કે સર્વિલાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ વ્યાપક સ્તરે થઈ રહ્યો છે અને તે વૈશ્વિક સુરક્ષા અને માનવાધિકારનો મુદ્દો છે. તેની દુનિયાભરમાં અસર થઈ છે. પેગાસસ માત્ર સર્વિલાન્સ ટુલ નથી પરંતુ એક સાઈબર હથિયાર છે. જાે જાસૂસી કાયદેસર રીતે થઈ રહી હોય તો પણ તે રાષ્ટ્રીય સુરક્ષા માટે જાેખમ છે. તેમાં કહેવાયું છે 'પેગાસસ માત્ર નિગરાણી ઉપકરણ નથી. તે એક સાઈબર હથિયાર છે જેને ભારતીય સરકારી તંત્ર વિરુદ્ધ ઉપયોગ કરાઈ રહ્યું છે. ભલે તે એક અધિકૃત રીતે હોય (જેને લઈને સંશય છે) પરંતુ પેગાસસનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે જાેખમ ઊભું કરે છે.' અરજીકર્તાએ કહ્યું કે પ્રાઈવસી કઈ છૂપવવાની ઈચ્છા નથી હોતી, તે સ્વયં એવી જગ્યા હોય છે જ્યાં આપણા વિચારો અને આપણા અસ્તિત્વ કોઈ અન્યના ઉદ્દેશ્યોનું સાધન નથી હોતા. આ ગરિમા માટે જરૂરી તત્વ છે. અરજીમાં કહેવાયું છે કે પેગાસસનો ઉપયોગ ફક્ત વાતચીત સાંભળવા માટે નથી થતો, પરંતુ તેના ઉપયોગથી વ્યક્તિના જીવન વિશે સમગ્ર ડિજિટલ જાણકારી મેળવી લેવામાં આવે છે અને તેનાથી માત્ર ફોનનો માલિક જ અસહાય નથી થતો પરંતુ તેની સંપર્ક સૂચિમાં સામેલ દરેક વ્યક્તિ આવું મહેસૂસ કરે છે.