વડોદરા,તા.૧૩

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના એટીએમમાંથી નાણાં ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં મહત્વનો ફેરફાર હવે એ કર્યો છેકે, ખાતેદારના ખાતામાં નાણાં ન હોય છતાં તે એટીએમમાં વ્યવહાર કરે અને તે રદ થતાં હવે તેને પ્રતિ વ્યવહાર રૃ.૨૦તથા જીએસટીની રકમ પેનલ્ટી તરીકે લાગશે. હવે સ્ટેટ બેંક દેશની અન્ય ખાનગી બેંકોની સાથે આ એટીએમના નિયમો બદલીને આવી ગઇ છે. હવે સ્ટેટ બેંક દ્વારા એટીએમના વ્યવહારોની જે મર્યાદા જાહેર કરવામાં આવી છે તે ઉપરાંતના એટીએમ વ્યવહારો માટે રૃ.૧૦ વત્તા જીએસટી થી લઇને રૃ.૨૦ વત્તા જીએસટી સુધીના ચાર્જ લેવામાં આવશે. એસબીઆઇ તેની વેબસાઇટમાં આ અંગેનો પરિપત્ર પણ જાહેર કર્યો છે.

અત્યાર સુધીમાં બેંક ના એટીએમ કાર્ડધારકો એટીએમમાંથી માસિક આઠ વખત નાણાં ઉપાડી શકે છે. આ સુવિધા મેટ્રો શહેરો માટે હોય છે. જેમાં પાંચ એસબીઆઇ એટીએમમાંથી અને ૩ એસબીઆઇ સિવાયના એટીએમમાંથી વ્યવહારનો સમાવેશ થાય છે.બેંકના કાર્ડ ધારકો એસબીઆઇના એટીએમમાંથી રૃ.૧૦હજાર ઉપરાંતની રકમ ઉપાડી શકે છે, પણ આ માટે હવે ઓટીપી એટલે કે વનટાઇમ પાસવર્ડ જરૃરી હોય છે. દરેક વખતે સ્ટેટબેંકના ખાતેદાર જાે આ મર્યાદાથી વધુ રકમ હોય તો તેને ઓટીપી તેના નોંધાયેલા મોબાઇલ નંબર ઉપર મળશે. જે ઓટીપી નાંખતા જ વ્યવહાર પૂર્ણ થશે અને નાણાં મળશે. હવે બેંકના ખાતેદારો તેમના એકાઉન્ટમાંથી બેલેન્સની રકમ પણ ઇન્ટરનેટ જાેડાણ વિના જ તેમના મોબાઇલ પર મેળવી શકશે. આ માટે બે પધ્ધતિ છે. ખાતેદાર ક્યાં તો એસએમએસ બેલેન્સ ટુ ૯૨૨૩૭૬૬૬૬૬ માંથી પોતાના નોંધાયેલા મોબાઇલ નંબર ઉપર મેળવી શકે છે અથવા તો ૯૨૨૩૭૬૬૬૬૬ ઉપર મિસ્ડ કોલ કરી શકે છે.આ નંબર ટોલ ફ્રી નંબર છે.