વડોદરા : શહેરના ભરચક વિસ્તાર એવા પાણીગેટ-માંડવી રોડ પર સિટી પોલીસ નજીક પીધેલા હોવાનું કારચાલકે પૂરઝડપે આવી ધડાકાભેર થાંભલા સાથે કાર અથાડી હતી. અડફેટમાં એક એક્ટિવાચાલક પણ આવી ગયો હતો. પોલીસનો સિમ્બોલ આગળ અને પાછળ લગાવેલી આ પોલીસની કારમાંથી દારૂની બોટલ અને ધારદાર છરો મળી આવ્યો હતો. સિટી પોલીસ મથકે કારચાલક સાગરસિંગ સામે દારૂ પીને ગફલતભરી રીતે કાર હંકારવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રેલવે પોલીસમાં ડે. કમાન્ડન્ટ તરીકે અમદાવાદમાં ફરજ બજાવતા લાલબહાદુર સિંગના પુત્ર સાગરસિંગ કાર નં. જીજે ૦૬ એફકયુ ૮૬૦૮ લઈને મિત્રને છોડવા વાસણા-ભાયલી રોડથી વાઘોડિયા રોડ તરફ આવી રહ્યો હતો, એ દરમિયાન કાર ધડાકાભેર થાંભલા સાથે અથડાવી હતી અને એક્ટિવાચાલકને પણ અડફેટે લીધો હતો.

અકસ્માતનો ધડાકાનો અવાજ સાંભળી વાહનચાલકો અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ધડાકાભેર અથડાયેલી કારને ગંભીર નુકસાન થયું હોવાથી એની બંને એરબેગ પણ ખૂલી ગઈ હતી. બચાવકાર્ય કરતાં રાહદારીઓએ અંદરથી ધારદાર છરો કબજે કરી લીધો હતો. સિટી પોલીસ મથકે એની જાણકારી મળતાં પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને અકસ્માત કરનાર સાગરસિંગને પોલીસ મથકે લવાયો હતો. જાણકારી મળતાં એના પિતા લાલબહાદુર સિંગ પણ સિટી પોલીસ મથકે દોડી આવ્યા હતા પરંતુ પુત્ર સાગરસિંગ પીધેલો હોવાનું બહાર આવતાં સિટી પોલીસે મક્કમ રહી કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે એક્ટિવાચાલક કલ્પેશ માછીએ વિધિવત્‌ ફરિયાદ આપતાં સિટી પોલીસે દારૂ પીને ગફલતભરી રીતે કાર હંકારવા બદલ અને અકસ્માત સર્જવા બદલ સાગરસિંગ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.