વડગામ, તા.૨૮ 

બનાસકાંઠા જિલ્લામાં ટ્રાયબલ વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના વિરમપુર પંથકની આદિવાસી પ્રજાને સવલતો મળી રહે તે માટે સરકાર દ્વારા બાલારામ નદી ઉપર પુલ બનાવવા માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે.પરંતુ પુલનું કામ છેલ્લા ૧૦ વર્ષથી પુર્ણ ન થતાં લોકોની પારાવાર મુશ્કેલીઓમાં વધારો થતો રહ્યો છે.બાલારામ નદી પર લઘુ સિંચાઈ યોજના તળેનો ડેમ આવેલો હોવાથી તેમજ મુખ્ય માર્ગ ડુબમાં ગયો હોવાથી લોકોને તેમજ વાહનચાલકોને અનેક પરેશાની વેઠવી પડી રહી છે. જે સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ૧૦ વર્ષથી પુલની કામગીરી ગોકળ ગાયની ગતિએ કરાતી હોવાથી આ વિસ્તારના લોકો અકળાઇ ઉઠ્‌યા છે.છેલ્લા ૧૦ વર્ષના સમય ગાળા દરમિયાન પુલ બનાવવા માટે ૩ જેટલી એજન્સી બદલાઈ ચુકી છે પરંતુ કામ પૂર્ણ થતું નથી. જેના લીધે ૩૫ ગામના વાહનચાલકો અને ૧૦ કિલ્લો મીટરનો વધારાનુ ચક્કર કાપવું પડે છે.જેના કારણે લોકોને સમય તેમજ રૂપિયાનો વ્યર્થ ધુમાડો કરવો પડે છે. પુલની કામગીરી ઝડપથી થાય તેવી લોકોની માંગ છે.