અમરેલી-

અમરેલી જિલ્લામાં હાલ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઇ સઘન તપાસ કરતા જાણવા મળ્યું છે કે, મોટાભાગના પોઝિટિવ કેસો સુરત જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં કે મુંબઈથી આવેલા લોકોના છે. જેથી સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા વાહનો અને મુસાફરોનું સઘન મેડિકલ ચેકઅપ તે અત્યંત જરૂરી બન્યું છે. જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા તમામ મુસાફરો અને વાહનોને આવવા માટે લાઠીની ચાવંડ ચેકપોસ્ટ ખાતે આરોગ્ય ચકાસણી અને સ્ક્રીનિંગ કરાવી અમરેલી જિલ્લામાં પ્રવેશવા ફરમાવ્યું હતું. સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા વાહનો અને મુસાફરો ચાવંડ ચેકપોસ્ટ સિવાય અન્ય કોઈ પણ સ્થળેથી પ્રવેશ કરી શકશે નહિ.

ચાવંડ ચેકપોસ્ટ પરથી નથી ચાલતી તેવી એસટી બસોના મુસાફરોને વિવિધ જગ્યાએથી ચેકિંગ કરાવીને આવવું પડશે. આ માટે વિવિધ રુટ નક્કી કરાયા છે. સુરત જિલ્લા, અમદાવાદ જિલ્લા કે મુંબઈમાંથી આવનાર મુસાફરોએ અમરેલી જિલ્લામાં પ્રવેશ્યા બાદ તેમનું હેલ્થ સ્ક્રીનિંગ ન થાય ત્યાં સુધી કોઈ મુસાફરોએ વાહનમાંથી નીચે ઉતરવાનું નથી.

જાેકે, જાહેનામામાં એમ પણ કહેવાયું છે કે, આ હુકમ સરકારી ફરજ પરના વાહનો, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ વાહનો, ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ વાહનો તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને લાગુ પડશે નહિ.