વડોદરા, તા.૨૭

શહેરને અડીને આવેલા સાત ગામોને પાલિકાની હદમાં સમાવવાના નિર્ણયનો ગ્રામજનો ભારે વિરોધ કરી રહ્યા છે. દિવસે ને દિવસે ઉગ્ર બનતા આ વિરોધમાં આજે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જાડાઈ હતી અને થાળી-વેલણ લઈને સરકાર સુધી વિરોધનો અવાજ પહોંચે એવા આશયથી ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ભાયલી, સેવાસી, વડદલા, બીલ, કરોડિયા, વેમાલી અને ઊંડેરા સહિતના ગ્રામજનો આ વિરોધ-પ્રદર્શનમાં જાડાયા હતા.

અગાઉ આ સાત ગામોને પાલિકામાં સમાવેશ કરવાના નિર્ણયને પગલે કરોડિયા અને ઊંડેરા ગામમાં ઉગ્ર વિરોધ દર્શાવાયા બાદ આજે અન્ય ગામો બીલ અને ભાયલીના ગ્રામજનોએ મોરચો સંભાળ્યો હતો અને તંત્ર સામે રોષ પ્રદર્શિત કર્યો હતો. બીલ ગામે એકઠા થયેલા ગ્રામજનોમાં મહિલાઓ મોટી સંખ્યામાં જાડાઈ હતી અને વિરોધના નવતર પ્રયોગ રૂપે સરકારના બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે થાળી-વેલણ વગાડી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.ગ્રામવાસીઓએ જણાવ્યું હતું કે, આવો મોટો નિર્ણય લેતાં અગાઉ ગામોના રહીશોનો અભિપ્રાય લેવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. અમારો મત જાણ્યા વગર સરકારે અચાનક નિર્ણય થોપી દીધો છે. ખરેખર તો અમારે નક્કી કરવાનું છે કે શહેરમાં ભળવું કે નહીં!ગ્રામજનોએ જણાવ્યું હતું કે, દેશની સંસ્કૃતિ ગામડાઓને કારણે ટકી રહી છે. ગામડાંને ગામડાં રહેવા દો એનું શહેરીકરણ ના કરો. પહેલાં પણ શહેરમાં સમાવાયેલા ગામોની દશા દયનીય છે ત્યાં પાલિકાએ કોઈપણ જાતની સુવિધાઓ ઊભી કરાઈ નથી, ત્યારે વધુ ને વધુ ગામો સમાવવાથી મુશ્કેલીઓમાં ઓર વધારો થશે. ભાયલી ગામના સરપંચે પાલિકામાં ગામને સમાવવાના નિર્ણયને સંમત્તિ આપતું લખાણ ઉપર સહી કરીને આપતાં ગ્રામજનોની સાથે સાથે એના પિતા પણ ઉશ્કેરાયા હતા અને ગ્રામજનોએ સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં ખુદ સરપંચના પિતા પણ જાડાયા હતા અને ગ્રામજનોએ આ વિરોધ - પ્રદર્શન ચાલુ રાખી ગાંધી ચીંધ્યા માર્ગે છેક છેલ્લે સુધી લડી લેવાનો નિર્ધાર આજના વિરોધ - પ્રદર્શનમાં જાહેર કર્યો હતો.