અમદાવાદ-

ગુજરાતમાં રસીકરણની કામગીરી ધીમી પડી જતાં રસી લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. પ્રજા રસી લેવા તત્પર છે, પણ સરકાર પાસે એટલો રસીનો સ્ટોક નહીં હોવાથી આ પ્રક્રિયામાં અંધાધૂંધી ફેલાઈ રહી છે. એ સંજોગોમાં ગુજરાતને 15 મી મેના રોજ કેન્દ્રમાંથી મળનારો રસીનો નવો જથ્થો માત્ર 45 થી વધુ ઉંમરના અને બીજા ડોઝ માટે જ ઉપયોગમાં લેવા જણાવ્યું છે, જેથી 18 થી 45 વર્ષની વયના ને જૂન મહિનામાં રસી મળી શકે છે.

ગુજરાતમાં મે મહિનાના આરંભની સાથે 18થી 45 વર્ષના લોકોને સાત મહાનગરો અને ત્રણ જિલ્લામાં મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ રસી કેન્દ્ર સરકાર પાસેથી મેળવીને સરકાર ફ્રીમાં આપી રહી છે, પરંતુ સમગ્ર રાજ્યમાં 18થી 45 વર્ષના લોકોને રસી આપવાની કામગીરી માટે જૂન મહિના સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. ગુજરાત સરકારે કોવિશીલ્ડ રસીના 2.50 કરોડ ડોઝ તેમજ કોવેકિસનના 50 લાખ ડોઝનો ઓર્ડર આપી દીધો છે, પરંતુ એ મુજબનો સપ્લાઇ મે મહિનાના અંત સુધી આવે એવી શક્યતા નથી.