અમદાવાદ-

શહેરની ઝાયડસ હોસ્પિટલ બહાર આજે પણ રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇનો હોવાનુ સામે આવી રહ્યુ છે. લોકોને આ ઇન્જેક્શનની કેટલી જરૂર છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, ઝાયડસ હોસ્પિટલની બહાર આજે લાંબી લાઇનો જોવા મળી રહી છે, જે લાઇનમાં ઉભા રહેલા લોકોને પણ ખબર છે કે આ ઇન્જેક્શન ન પણ મળે.

લોકો આ ઇન્જેક્શનને લેવા માટે આખો દિવસ લાઇનમાં ઉભા રહે છે. તેમ છતા પણ ઘણા એવા લોકો છે કે જેમને આ ઇન્જેક્શન મળતુ નથી. આ લાઇન ઝાયડસ હોસ્પિટલને ફરતે એક કિલોમીટર સુધી વિસ્તરેલી જોવા મળી હતી. મહત્વનુ છે કે એક તરફ રેમડેસિવીરનાં કાળા બજારની બૂમ ઉઠી છે ત્યારે ઝાયડસ હોસ્પિટલમાં લોકોને માત્ર 899 માં જ રેમડેસિવિર ઇન્જેકશન આપી રહ્યુ છે. જેના કારણે અમદાવાદ બહારથી પણ લોકો આ ઇન્જેક્શન લેવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

ઝાયડસ હોસ્પિટલે શનિવારથી રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરવઠો ઉપલબ્ધ નહીં હોવાની જાહેરાત કરી દીધી હતી. ઝાડયસે સ્પષ્ટતા કરી હતી કે ઉત્પાદન માટે મોટા પાયે પ્રયાસો ચાલી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલે પબ્લિક એનાઉન્સમેન્ટમાં જણાવ્યું છે કે, હવે ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે. ત્યારે બીજી તરફ સરકાર પોતાની કેસેટ વગાડી રહી છે કે, ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સ સરળતાથી મળી રહ્યા છે.