અરવલ્લી : આદિવાસીઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસના નામે દરવર્ષે અલગ અલગ ગ્રાંટ ફાળવણી કરે છે ક્યારેક સ્પેશિયલ પેકેજ વનબંધુ કલ્યાણકારી યોજનાના નામે આપે છે પણ વપરાય છે ક્યાં એ સમજાતું નથી.મેઘરજ તાલુકા અંતરિયાળ નવાગામ - કસાણા ગામની. આ ગામમાં ૭૦૦થી ૮૦૦ ઘરની વસ્તી છે.  

સ્થાનિક રહીશો ખાસ ખેતી અને પશુપાલનના વ્યવસાય પર જીવન ગુજારો કરે છે. બિલકુલ જંગલ અને ડુંગરાળ પ્રદેશમાં છુટા છવાયા મકાનોમાં લોકો રહે છે. આ વિસ્તારમાં ક્યારે કોઈ રાજકીય નેતા કે અધિકારીઓ ફરકયા નથી. આ ગામમાં પાયાની સુવિધા આરોગ્ય,શિક્ષણ,પાણી અને પાકા રસ્તા નથી. ગામના લોકોને કસાણા મેઘરજ તરફના મુખ્ય પાકા રસ્તા પર આવવું હોય તો જંગલમાં ત્રણ કિલોમીટર ચાલીને આવવું પડે છે. આ વિસ્તારમાં આઝાદી પછી પાયાની કોઈ જ સુવિધા પ્રાપ્ત થઈ નથી. ગામમાં મુખ્ય રસ્તાની સુવિધા નથી કોઈપણ કામકાજ માટે જવું હોય તો પથરાળ રસ્તે જવું પડે છે. ચોમાસામાં તો બહુ જ મુશ્કેલી વેઠવી પડે છે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ખેતીમાં કાઈ ઉપજ મળતી નથી. પશુપાલનમાં દૂધ પર જીવન ગુજારો કરવો પડે છે પણ મુખ્ય સમસ્યા એ છે કે દૂધ ભરવા પણ ત્રણ કિલોમીટર દૂર ડેરીમાં જવું પડે એ પણ જાણે વૈતરણી પાર કરતા હોઈએ એમ પાણીમાં રહીને જવું પડે છે. નવાગામ કસાણાની મહિલાઓ પાસેથી એક વાત જાણવા મળી કે જ્યારે આ વિસ્તારમાં સારી સુવિધા છે એમ માની પોતાના મા બાપે અહીં છોકરીઓને પરણાવી પરંતુ સ્થાનિક મહિલાઓ જણાવી રહ્યા છે કે અમારા સાસુ, સસરા પણ સુવિધા ઝંખતા ઝંખતા ગયા અને અમે પણ જઈશું. હાલ અમારા છોકરાઓ જાણે કુંવારા રહી જશે એવું લાગે છે માટે પાકા રસ્તા બને એવી માંગ છે. ગતિશીલ ગુજરાતની ગુલબાંગો વચ્ચે મુખ્ય બાબત એ છે કે પાકા રસ્તા ન હોવાથી બીમારી સમયે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રસ્તો ના હોવાથી ૧૦૮ કે બીજા કોઈ ખાનગી વાહન આવી શકતા નથી બીમાર દર્દીઓને સાડીને લાકડા સાથે બાંધી ઝોળી બનાવીને ચાલતા ત્રણ કિલોમીટર જંગલમાં ઊંચકીને લઈ જવા પડે છે. ઘણી વખત મુખ્ય મુકામ પર પહોંચતા અને સારવાર મળે એ પહેલાં જ મોડું થવાથી દર્દી મૃત્યુ પામે છે.૯ વર્ષથી ગામના સરપંચ ગ્રામપંચાયત દ્વારા દરખાસ્તો તૈયાર કરીને તંત્રમાં મોકલે છે પરંતુ તેની પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી.