લોકસત્તા વિશેષ : શહેરમાં કોરોનાથી કોઈ મોત નહીં થતા હોવાની વાતો કરી સબસલામતનું ચિત્ર ઉભું કરી શહેરીજનોની આંખમાં ધૂળ નાંખવાની કોશિશ કરનાર તંત્ર અને સત્તાધીશોની નિતિ ખુલ્લી પડી ગઈ છે. વડોદરાવાસીઓએ હવે ચેતી જવું પડશે નહીં તો તંત્રએ તમારા માટે ચિતાઓ સજાવી છે. સ્મશાનો ફૂલ થતાં નવા સ્મશાનોમાં ચિતા ઉભી કરવાની વ્યવસ્થા કરાઈ છે. એટલું નહીં જે સ્મશાનો નાના છે ત્યાં સ્મશાનની આસપાસ આવેલી સરકારી ખુલ્લી જમીનમાં નવી ચિતાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધી કોરોનાથી થતા મોતના સાચા આંકડા છુપાવતું તંત્ર હવે નવી ચિતાઓ ઉભી કરવા માટે કામે લાગ્યું છે.

કોરોનાની સેકન્ડ વેવમાં નાગરીકો ખતરનાક રીતે અસર પામી રહ્યા છે. શહેરમાં સત્તાવાર રીતે રોજ ૪૦૦થી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. એક તરફ હોસ્પિટલો ફૂલ છે, કોરોનાગ્રસ્ત નાગરીકોને સારવાર માટે પુરતી વ્યવસ્થા મળી રહી નથી. આવી સ્થિતિમાં મોતનો દર ઉંચો જઈ રહ્યો છે. એક જાણકારી મુજબ વડોદરામાં રોજ આશરે ૧૦૦થી વધુ નાગરીકો કોરોનાથી મોતને ભેટી રહ્યા છે. પરંતુ સરકારી તંત્ર આંકડા છુપાવવાની રમતમાં ડેથ ઓડીટ કમિટિના નેજા હેઠળ અન્ય બિમારીથી થયેલા મોતમાં તેને ખપાવી પોતાની પીઠ થાબડી રહ્યું છે.

શહેરમાં મોતનો આંકડો વધતાં સ્મશાન ગૃહમાં વેઈટીંગ ચાલી રહ્યું છે. એટલું જ નહીં સરકાર દ્વારા કોવીડ પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવતા અંતિમ સંસ્કારમાં રાત્રીના અંધારાનો લાભ લેવાનો હોઈ સ્મશાનોની ચિતા ઓછી પડી રહી છે.ત્યારે શહેરની આવી અવદશાને ખુલ્લી પાડતી વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરવાની શરૂઆત કરાઈ છે. આજે દિવસ દરમ્યાન કોર્પોરેશન દ્વારા શહેરની જુદા જુદા સ્મશાનમાં ચિતાઓ વધારવાની શરૂઆત કરવામાં આવી છે. તેમાં પણ શહેરમાં સમાવિષ્ઠ નવા ગામો જેવાકે કલાલી, જામ્બુવા અને અકોટા સહિતના વિસ્તારોમાં આશરે ૨૪ જેટલી નવી ચિતા ઉભી કરવામાં આવી છે. એક જાણકારી મુજબ જામ્બુવા અને કલાલીના ગામના સ્મશાનની જગ્યા નાની હોઈ તેની બાજુમાં આવેલી ખુલ્લી સરકારી જમીનમાં નવી ચિતાઓ તાકીદે ઉભી કરવામાં આવી છે.

આ સ્થિતિ ઘણી સ્ફોટક અને ચિંતાજનક છે. વડોદરાવાસીઓએ હવે ચેતી જવું પડશે નહીં તો નવી ચિતાઓ સજી ચુકી છે. હોસ્પિટલો ફૂલ છે, ઓક્સિજન ખુટી જાય છે, આઈ.સી.યુ. મર્યાદિત છે અને સારવાર માટેના રેમડીસીવર ઈન્જેક્શન મળતા નથી. સમજવાનું નાગરીકોએ છે તમે જાતે જ તમને બચાવી શકશો બાકી તંત્રએ તો પાકી તૈયારી રૂપે વધારાની ચિતાઓ તૈયાર કરી લીધી છે.