વડોદરા : સાંજના સમયે ટ્રાફિકથી વ્યસ્ત રહેતા મંગળ બજાર વિસ્તારમાં કોંગ્રેસે ચક્કાજામનો કાર્યક્રમ આપતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. ભારે ટ્રાફિક જામ થતાં દોડી આવેલી સિટી પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરી ઢસડીને જીપમાં નાખી લઈ જતાં એક તબક્કે ભારે વિરોધ થતાં કોંગ્રેસ અગ્રણીઓ સિટી પોલીસ મથકે દોડી આવ્યા હતા. 

સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત મંગળબજાર વેપાર-ધંધાનું કેન્દ્ર રહેલું છે. છેલ્લા બે વર્ષથી બે વાર પદમાવતીના ભોંયરા પહેલા થાંભલા મારી પછી કાઢયા નાખ્યા બાદ ફરી નાખ્યા તેથી મોટા વાહનોને મંગળ બજારમાં જવાની ફરજ પાડવામાં આવતી હતી. આ નિર્ણયને કારણે મંગળબજારમાં સામાન્ય માણસને ખરીદી કરતી વેળાએ અકસ્માતનો ભોગ બનવો પડે છે. ત્યાર બાદ આટલા મસમોટા વાહનોને કારણે જનતા પણ માનસિક તાણ અનુભવાય છે. આ મુશ્કેલીને કારણે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વેપારીઓ દ્વારા અને એનજીઓ દ્વારા પણ અગાઉ રજૂઆત કરાઈ હતી. પણ કુંભકર્ણની નિદ્રામાં રહેતી ભાજપાની પાલિકા દ્વારા કોઈ પણ ઉકેલ લાવવામાં આવ્યો નહોતો. જનઆંદોલન દ્વારા ઉકેલવા આજે વડોદરા કોંગ્રેસ પ્રવકતા અમિત ઘોટીકર, પ્રભારી અમર ઢોમસે, વોર્ડ નં.૧૪ના પ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટ, માજી કોર્પોરેટર જાવેદ ધુપેલવાલા, શહેર મહામંત્રી સહિતના કાર્યકરો દ્વારા પદમાવતી પાસેના થાંભલા પાસે પાટલાને પાલિકાના મગજ જાેડે સરખાવી અને મગજમાં ઘાસ ભરી નિર્ણય લે છે તેવો પ્રતિકાત્મક કાર્યક્રમ આપ્યો હતો.

તે જ સમયે મંગળ બજારમાં જઈ રહેલી બસને રોકી ચકકાજામ કર્યો હતો. અડધો કલાક સુધી ચકકાજામનો કાર્યક્રમ આપી પાલિકા અને શાસકપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અડધો કલાકના શાંતિપૂર્ણ પ્રદર્શન બાદ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વાણિયા ત્યાં આવી કાર્યકરોને ઢસડીને લઈ જઈ જીપમાં બેસાડી દીધા હતા.