ભરૂચ : ભરૂચમાં નગર પાલિકા દ્વારા રૂપિયા ૫૦ લાખના ખર્ચે કરાતી પ્રિમોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ રહી છે. ગુરુવારે નજીવા વરસાદી ઝાપટા વચ્ચે મહમદ પૂરા સ્થિત જૂની એપીએમસીમાં પાણી ભરાતા વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. 

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં આવેલાં જુના એપીએમસી ખાતે વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને પાણીમાં ચાલીને શાકભાજી ખરીદવાની ફરજ પડી હતી.ભરૂચ શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી તે વાત એપીએમસીમાં સાબિત થઇ રહી છે. દર વર્ષે નગરપાલિકા પ્રિ મોનસુન કામગીરી પાછળ ૫૦ લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ કરે છે તેમ છતાં ચોમાસામાં પાણીનો ભરાવો થાય છે. ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં આવેલાં એપીએમસીને વડદલા ખાતે સ્થળાંતરિત કરી દેવાયું છે પણ જુના એપીએમસી ખાતે કેટલીક દુકાનો હજી કાર્યરત છે. જયાં સ્થાનિક લોકો ખરીદી કરવા આવતાં હોય છે.શાકભાજી ખરીદવા આવેલાં લોકોએ પાણીમાં ચાલીને ખરીદી કરી હતી.