મુંબઇ-

લોકડાઉન લગાવવાને કારણે લોકો તેમની નોકરી ગુમાવશે, એવો ભય વ્યક્ત કરતા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે આક્ષેપ કર્યો હતો કે રાજ્યની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર ર્નિભળ વર્ગને નાણાકીય સહાય કરવા માટે ગંભીર નથી. કોરોનાના કેસને નિયંત્રણમાં લાવવા માટે મહારાષ્ટ્રમાં લગાવવામાં આવેલા લોકડાઉને વધારવામાં આવશે એવા વહેતા થયેલા અહેવાલો વચ્ચે રાજ્યની સરકારની ઝાટકણી કાઢતા ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં લોકશાહી નહીં ‘લૉક’ શાહી છે.

સોલાપુર જિલ્લામાં પંઢરપુર-મંગલવેધા વિધાનસભા મતવિસ્તારની આગામી પેટાચૂંટણી માટે યોજાયેલી એક રેલીને સંબોધતા વિધાનસભામાં વિપક્ષ નેતાએ કહ્યું હતું કે ‘આ સરકાર જ્યારે સત્તા પર આવી ત્યારે તેને મહા વિકાસ આધાડી રહેવામાં આવતી હતી, પરંતુ હાલમાં તેને મહા વસૂલી આધાડી તરીકે ઓળખવામાં આવે છે. સરકારે સામાન્ય લોકો, ખેડૂતો અને પોલીસ પાસેથી વસૂલી કરાવવાનું શરૂ કર્યું છે. જ્યાંથી શક્ય હોય ત્યાંથી પૈસા વસૂલ કરવાનો ત્રણેય સત્તાધારી પક્ષોનો એજેન્ડા છે.

કોરોનાના સૌથી વધુ કેસ અને મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. છેલ્લા દસ દિવસમાં દેશમાં કોરોનાને કારણે જેટલાના મૃત્યુ થયા છે તેમાંથી પચાસથી પંચાવન ટકા મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ સિવાય દેશમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસમાંથી ૬૦ ટકા કેસ રાજ્યમાં છે, એમ ફડણવીસે કહ્યું હતું. કોરોનાના ફેલાવાને રોકવા માટે લોકિંગ અને અનલોકિંગ સિસ્ટમ જરૂરી છે એ સમજાય છે, પરંતુ લોકડાઉનને કારણે લોકો તેમની નોકરી-કામધંધા ગુમાવશે અને રાજ્ય સરકાર નબળા વર્ગને નાણાકીય સહાય આપવા માટે ગંભીર જણાતી નથી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.