દિલ્હી-

કોરોના વેક્સિનની કિંમતો બાદ હવે તેના પર લગાવવામાં આવેલા ટેક્સને લઈને વિવાદ શરૂ થયો છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે શુક્રવારે નાણાં મંત્રી ર્નિમલા સીથારામણને ચિઠ્ઠી લખીને વેક્સિનની ખરીદી પર લાગતા જીએસટીને માફ કરવાની માંગણી કરી હતી. ત્યારે હવે શનિવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ વેક્સિન પર ટેક્સની વસૂલાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, 'જનતાના પ્રાણ જાય, પણ ટેક્સ વસૂલી ન જાય' આ ટ્‌વીટની સાથે તેમણે હેશટેગ જીએસટીનો પણ ઉપયોગ કર્યો હતો. સરકારે વિદેશથી આવતી કોરોના વેક્સિન પરનો જીએસટી હટાવી દીધો છે પરંતુ દેશની અંદર વેક્સિનની ખરીદી પર હજુ પણ જીએસટી લેવાઈ રહ્યો છે. કોરોના વેક્સિન પર કેન્દ્ર સરકાર તરફથી ૫ ટકા જીએસટી લેવામાં આવી રહ્યો છે.

સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડનો એક ડોઝ રાજ્યોને ૩૦૦ રૂપિયા અને ભારત બાયોટેકની કોવેક્સિનનો એક ડોઝ ૪૦૦ રૂપિયામાં મળી રહ્યો છે. તેના પર અલગથી ૫ ટકા જીએસટી લાગી રહ્યો છે. આમ રાજ્યોને કોવિશીલ્ડનો એક ડોઝ ૩૧૫ રૂપિયામાં અને કોવેક્સિનનો એક ડોઝ ૪૨૦ રૂપિયામાં પડી રહ્યો છે. આમ રાજ્યો પર વધારાના ખર્ચનું ભારણ વધી રહ્યું છે. આ કારણે અનેક રાજ્યો વેક્સિન પર લાગતા જીએસટીમાં છૂટની માંગણી કરી રહ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારને બંને વેક્સિનનો એક ડોઝ ૧૫૦ રૂપિયામાં મળી રહ્યો છે. ભારતમાં હાલ ૩ વેક્સિનના ઉપયોગને મંજૂરી મળી છે. પહેલી વેક્સિન છે કોવિશીલ્ડ જેને સીરમ ઈન્સ્ટિટ્યુટ બનાવી રહી છે અને બીજી કોવેક્સિન છે જેને આઈસીએમઆર સાથે મળીને ભારત બાયોટેક બનાવી રહી છે. ત્રીજી વેક્સિન છે સ્પુતનિક-ફ જેને ઈમરજન્સી યુઝની મંજૂરી મળી ગઈ છે. તે રૂસી વેક્સિન છે જેને ભારતની ડૉ. રેડ્ડી લેબ બનાવશે. જાે કે, હજુ સ્પુતનિક-ફની કિંમતો નક્કી નથી થઈ.