ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા આગામી તા.૧૯મી ઓક્ટોબરના રોજ મુસ્લિમોના પવિત્ર તહેવાર એવા ઈદે-મિલાદ-ઉન-નબીની ઉજવણી કરવા તેમજ તેના ઝૂલૂસ કાઢવા માટેની શરતી પરવાનગી આપી છે. આ અંગેની સરકાર દ્વારા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. રાજયમાં ઈદે-મિલાદના ઝૂલૂસ કાઢવા માટે ત્રણ મુસ્લિમ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને સરકાર દ્વારા હકારાત્મક ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી ઈદે મિલાદ ઉન નબીના તહેવારને લઈ વધુ એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આગામી તારીખ ૧૯ ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો મુસ્લિમ બિરદારોનો તહેવાર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ તહેવારને લઈને એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં ઝૂલૂસમાં ૧૫ વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં જાેડાઈને ઈદ-એ-મિલાદ-ઉન-નબીના તહેવારની ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. ઈદ-એ-મિલાદ-ઉન-નબીના ઝૂલૂસનું માત્ર દિવસ દરમિયાન જ આયોજન કરી શકાશે. તેમજ ઝૂલૂસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. આ ઝૂલૂસને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-૧૯ કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે. રાજ્યમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીના ઝૂલૂસ કાઢવા માટે મંજૂરી આપવા માટે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને વાંકાનેરના ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરજાદા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાને પણ મળ્યા હતા અને કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે ઝૂલૂસ કાઢવા માટેની પરવાનગી આપવા અંગે વાતચીત કરવામાં આવી હતી.

ઈદે મિલાદના ઝૂલૂસમાં ૧૫ વ્યક્તિની મંજૂરી મશ્કરી સમાનઃગ્યાસુદ્દીન શેખ

રાજ્ય સરકાર દ્વારા મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદે-મિલાદના ઝૂલૂસમાં એક વાહન અને ૧૫ વ્યક્તિની મંજૂરી આપવામાં આવી છે. તેને મુસ્લિમ સમાજના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને મહમદ જાવેદ પીરજાદા દ્વારા મશ્કરી સમાન ગણાવી છે. એટલું જ નહીં ત્રણેય ધારાસભ્યોએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સરકાર દ્વારા સવારે ૭ થી રાતના નવ સુધી ઝૂલૂસ કાઢવાની પરવાનગી આપવામાં આવે તેમજ અન્ય તહેવારોની જેમ ઝૂલૂસમાં ૪૦૦ વ્યક્તિને સામેલ કરવાની પરવાનગી આપવાની રજૂઆત કરવામાં આવી છે.