આણંદ, તા.૨૦ 

આણંદ જિલ્લામાં આજે પેટલાદના કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ સહિત વધુ વ્યક્તિના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં જિલ્લાનો કુલ આંકડો ૩૮૦ પર પહોંચી ગયો છે. હાલ જિલ્લામાં કુલ ૪૪ એક્ટિવ કેસ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, ધારાસભ્ય નિરંજન પટેલની સ્થિતિ સ્ટેબલ છે. જાેકે, વધુ એક રાજકીય મોભી કોરોનાની ઝપટમાં આવતાં જિલ્લામાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

આણંદ જિલ્લામાં વધુ ૬ કોરોના પોઝિટિવ કેસમાં પેટલાદ, બોચાસણ, તારાપુર, નાપા, બામણગામ અને કરમસદ, આ બધા વિસ્તારોમાં એક-એક કેસ સામે આવ્યાં છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. આજે પેટલાદના ધારાસભ્ય સહિત છ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું. આજે આવેલાં ૬ દર્દીઓમાં એકને વેન્ટિલેટર પર રાખવા પડ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

આજે કોરોના પોઝિટિવ આવેલાં છ દર્દીમાં પેટલાદની હરિહર સોસાયટીમાં રહેતાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ (ઉં.૭૫) સહિત બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલા પ્રમુખ વિસ્તારમાં રહેતા મોહનભાઈ રમણભાઈ પરમાર (ઉં.૬૨), તારાપુરના મદ્રેસા રોડ ઉપર આવેલા સિરોયા ફળિયામાં રહેતા ઉસ્માનશા ભીખનશા દિવાન (ઉં.૬૨), બોરસદ તાલુકાના નાપા તળપદ ગામના પીપળાવાળા ફળિયામાં રહેતાં ખાતુનબીબી અબીબખાન પઠાણ (ઉં.૬૦), આંકલાવ તાલુકાના બામણગામની લક્ષ્મીનારાયણ પોળમાં રહેતાં ઉપેન્દ્રભાઈ શાંતિલાલ પટેલ (ઉં.૪૯) અને કરમસદની જીએમએમ ફેક્ટરી સામે મિલેનિયમ હાઇટ્‌સમાં રહેતાં હસમુખભાઈ મગનભાઈ પટેલ (ઉં.૪૫) સામેલ છે.

આજે આવેલાં છ પોઝિટિવ દર્દીમાંથી એક વેન્ટિલેટર પર, બે ઓસિજન પર અને ત્રણની હાલત એકદમ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. આજે આણંદ શહેર માટે કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા શહેરીજનોમાં રાહત જાેવા મળી હતી.