વડોદરા : પિરામલ જૂથની કંપની પિરામલ ગ્લાસને અમેરિકન કંપની બ્લેકસ્ટોન ૧ બિલિયન અમેરિકન ડોલરમાં વેચાઇ છે. અજય પિરામલની આ કંપની વડોદરા નજીક કોસંબા અને જંબુસર ખાતે પ્લાન્ટ ધરાવે છે. આ ઉપરાંત આ કંપનીના પ્લાન્ટ શ્રીલંકા અને અમેરિકામાં પણ છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાને પણ આ અંગે વિધિવત રીતે બ્લેક સ્ટોને જાણ કરી છે. કંપનીના ચેરમેન અજય પિરામલે કંપનીના કર્મચારીઓ સહિતના સ્ટેક હોલ્ડરને લાગણીશીલ બનીને લખેલા પત્રમાં જણાવ્યું છેકે, કંપનીએ બ્લેક સ્ટોન સાથે બિઝનેશ વેચવા માટે કરાર કર્યો છે. અગાઉની ગુજરાત ગ્લાસ કંપની ૧૯૮૪માં પિરામલ જૂથે ખરીદી હતી. રૃ.૫ કરોડના ટર્ન ઓવરવાળી કંપનીને હાલમાં રૃ.૨૫૦૦ કરોડના ટર્નઓવર ધરાવતી કરી છે. ૨૯ વર્ષની વયે જ ગુજરાત ગ્લાસ હસ્તગત કરીને પિરામલ જૂથે ૧૨ ફર્નેસ અને ૬૫ લાઇન સાથે ૧૪૭૫ ટન દૈનિક ઉત્પાદન ક્ષમતાવાળી બનાવી હતી. કોસંબામાં કંપની બોટલ્સ અને વાયલ્સ બનાવે છે,જે દેશના ફાર્મા ઉદ્યોગની જરૃરીયાતને પૂર્ણ કરે છે. ફાર્મા,કોસ્મેટિક, પરફ્યુમરી અને ફૂડ તથા બેવરેજિસ માટેના ઉત્પાદન ધરાવતી આ કંપની વૈશ્વિક અગ્રેસર છે. ૬૫ દેશોમાં તે બિઝનેસ ધરાવે છે. 

ભારતમાં બ્લેકસ્ટોનની ૪૦ બિલિયન ડૉલરની અસ્ક્યામતો

બ્લેક સ્ટોનની ૪૦ બિલિયન ડોલરની અસ્ક્યામતો છે. બ્લેક સ્ટોને ૧૫ બિલિયન ડોલર તાજેતરના વર્ષોમાં જ રોક્યા છે. જેમાં પ્રાઇવેટ ઇક્વિટી ૬.૯ બિલિયન ડોલર, રિઅલ એસ્ટેટમાં ૭.૮ બિલિયન ડોલર અને ૪૦૦ મિલિયન ડોલર તો ટેક્ટિકલ ઓપર્ચ્યુનીટિઝનમાં રોક્યા છે.૨૦૧૯-૨૦માં બ્લેક સ્ટોને ભારતમાં ૬ બિલિયન ડોલર રોક્યા હતા. જેમાં પ્રાઇવેટ ઇક્વિટી દ્વારા ૨.૫ બિલિયન ડોલર, રિઅલ એસ્ટેટમાં ૩.૨ બિલિયન ડોલર અને ૩૦૦ મિલિયન ડોલર ટેક્ટિકલ ઓપર્ચ્યુનિટી દ્વારા રોક્યા હતા.

બ્લેકસ્ટોન કેવી રીતે ચૂકવણી કરશે ?

બ્લેક સ્ટોન કંપની અમેરિકાના ન્યુયોર્કની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ છે. જે પ્રથમ તબક્કામાં પિરામલ જૂથને ૮૫૦ મિલિયન ડોલર ચૂકવશે. જ્યારે ૨ વર્ષમાં કરાર મુજબની શરતો પૂરી થતાં બાકીના ૧૫૦ મિલિયન ડોલર ચૂકવશે. કંપનીની માલિકી અને મેનેજમેન્ટ પણ બ્લેક સ્ટોન હસ્તક આવી જશે.

વિશ્વની ચાર ગ્લાસ કંપનીમાં પિરામલ ગ્લાસનું મહત્ત્વનું સ્થાન

વિશ્વની ચાર ગ્લાસ કંપનીમાં પિરામલનું સ્થાન છે. ટાઇપ ૧ ફાર્મા ગ્લાસ મેન્યુફેકચરિંગમાં ભારતની નંબર વન કંપની છે. લિક્વિડ ઇન્જેક્ટેબલ ડ્રગ માટેના ઉત્પાદન બનાવે છે. જેની હાલના કોરોનાના સમયમાં ભારે માગ છે.

બ્લેકસ્ટોન રિસાયકલેબલ ગ્લાસ બોટલ્સનું ઉત્પાદન વધારશે

વિશ્વમાં પ્લાસ્ટિકની બોટલના સ્થાને હવે રિસાયકલેબલ ગ્લાસ બોટલ્સની માગ વધી રહી છે ત્યારે બ્લેક સ્ટોનને તેનો ફાયદો થશે. ગ્લાસ મેન્યુફેકચરિંગ યુરોપ અને અમેરિકામાં ભારે ખર્ચાળ બન્યું છે ત્યારે ભારત જેવા ઉભરતા માર્કેટનો બ્લેકસ્ટોનને લાભ મળશે.

કોરોનાના કારણે કોસ્મેટિક અને પરફ્યુમના બિઝનેસને અસર

કોરોનાના કારણે કોસ્મેટિક અને પરફ્યુમ્સના બિઝનેસને અસર પડી રહી છે. જાેકે બીજી તરફ ફાર્માના ઉત્પાદનોને સાનુકૂળતા રહી છે.

બ્લેકસ્ટોન કંપનીને નવી ઊંચાઇએ લઇ જશે : અજય પિરામલ

અજય પિરામલે તેમના પત્રમાં એમ પણ જણાવ્યું છેકે, બ્લેક સ્ટોન કંપનીને નવી ઊંચાઇએ લઇ જશે. વિશ્વમાં જ્યારે ગ્લાસને વધુ ટકાઉ પેકેજિંગ વિકલ્પ તરીકે મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે લાંબી ભાગીદારી મહત્વની બની રહેશે. કંપની યોગ્ય હાથમાં હસ્તાંતરીત થઇ રહી છે અને તમામ કર્મચારીઓના ભાવિ ઉજ્જવળ છે.

બ્લેકસ્ટોનને મહત્ત્વની કંપની ગ્રાહક તરીકે મળશે

બ્લેક સ્ટોનને હવે પિરામલ ગ્લાસના મહત્વની ગ્રાહક કંપનીઓ જેવી કે, કોટી, લો ઓરિઅલ, ડીઆજીઓ, પેરનોડ રિચાર્ડ અને સનોફી પણ મળશે. ભારત અને શ્રીલંકામાં માર્કેટ શેરમાં અગ્રેસર કંપની હવે અમેરિકા અને યુરોપમાં તેનું સ્થાન મજબૂત કરશે.

કાઇઝેનનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ

કાઇઝેનનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ પિરામલ ગ્લાસમાં થયો હતો. કંપનીમાં વિજય શાહના પ્રદાનનો પણ અજય પિરામલે ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત ગ્લાસને ટેઇક ઓવર કર્યા બાદની પડકાર દાયક પરિસ્થિતિનો પણ સફળતા પૂર્વક સામનો કરવામાં આવ્યો હતો.