ગાંધીનગર-

ગાંધીનગરમાં આયોજિત રોકાણકારોની સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.કોન્ક્લેવમાં સંભવિત રોકાણકારો, ઉદ્યોગ નિષ્ણાતો અને મંત્રીઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંબંધિત મંત્રાલયોના અધિકારીઓ હાજર રહ્યાં.આ સમિટની થીમ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી પર કેન્દ્રિત છે. તેનો ઉદ્દેશ તબક્કાવાર રીતે પર્યાવરણને અનુકૂળ અને સલામત રીતે બિન-યોગ્ય અને પ્રદૂષિત વાહનોને દૂર કરવા માટે એક ઇકોસિસ્ટમ બનાવવાનો છે.

વાહન સ્ક્રેપિંગ નીતિનો ઉદ્દેશ દેશભરમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન અને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાઓના રૂપમાં સ્ક્રેપિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે.આ સંમેલનમાં સંકલિત સ્ક્રેપિંગ સેન્ટરના વિકાસ પર પણ ચર્ચાઓ યોજાશે. ગુજરાતના અલંગમાં જહાજ તોડવાની સુવિધાઓની તર્જ પર વાહન સ્ક્રેપીંગ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ અનુસંધાને કેન્દ્રીય રાજમાર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ સ્ક્રેપીંગ નીતિ બેલ્જીયમ અને જાપાનના મોડેલનું અધ્યયન કરીને બનાવવામાં આવી છે. અલંગમાં જે સ્ક્રેપીંગ પાર્ક બનશે તેનાથી લગભગ 50,000 રોજગારીનું સર્જન થશે.