અમદાવાદ-

અમદાવાદમાં આજે મોટી આગકાંડની ઘટનાના પડઘા દિલ્હી દરબાર સુધી પહોંચ્યા છે. પીરાણા રોડ પર લાગેલી આગમાં 9 લોકોનાં મોત નિપજતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. અને પીએમ મોદીએ ટ્વીટ કરીને આગમાં મોતને ભેટનાર મૃતકોનાં પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

પીપળજ રોડ પર આવેલા કેમિકલ ફેક્ટરીમાં બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની છે, જેને પગલે ફાયરબ્રિગેડની 24 જેટલી ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જેની આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનોમાં 25 જેટલા લોકો ફસાયા હતા. જેમાંથી 9નાં મોત થઈ ગયાં છે તેમજ 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ફાયરબ્રિગેડની 24 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ ઈજાગ્રસ્તો એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.