અમદાવાદ-

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું આજે નિધન થયું છે. કોરોનાને મ્હાત આપ્યા બાદ પણ તેઓ જીવન સામેની જંગ હારી ગયા છે. તેમનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક સમયથી ખરાબ રહેતું હતું. જ્યારે આજે સવારે તેમની તબીયત વધારે ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર મળ્યાની સાથે જ વડાપ્રધાન મોદીએ પણ તેમના માટે શોકની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પણ કેશુભાઈ સાથે ઘણો લાંબો સમય કામ કર્યું હતું. તેઓ ગુજરાતની મુલાકાત દરમિયાન અનેકવાર કેશુભાઈ પટેલની મુલાકાતે પણ ગયા છે.

વડાપ્રધાન મોદીએ આજે કેશુભાઈ માટે ટ્વીટ કરતાં લખ્યું છે કે, અમારા પ્રિય અને આદરણીય કેશુભાઇનું નિધન થયું છે. મને ખૂબ દુ:ખ થયું છે. તેઓ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા એક ઉત્તમ નેતા હતા. તેમનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે સમર્પિત હતું. 

કેશુભાઇએ જનસંઘ અને ભાજપને મજબૂત કરવા ગુજરાતનીનો લાંબો પ્રવાસ કર્યો હતો. તેમણે ખેડૂત કલ્યાણના પ્રશ્નો તેમના હ્રદયની નજીક હતા. તે ધારાસભ્ય, સાંસદ, મંત્રી અથવા મુખ્યમંત્રી પદે રહી અને અનેક કાર્યો કર્યા છે, તેમણે ખાતરી કરી હતી કે ખેડૂતો સાથે અન્યાય ન થાય. 

કેશુભાઈએ મારા સહિત ઘણા નાના કાર્યાકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે. દરેક વ્યક્તિને તેમનો અનુકૂળ સ્વભાવ ખૂબ ગમતો. તેમનું દુનિયામાંથી જવું એ એક ન પૂરાય તેવી ખોટ છે. આજે હું દુ:ખી છું. તેમના પુત્ર ભરત સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. ઓમ શાંતિ.