દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 11 કલાકે મધ્ય પ્રદેશના રીવા ખાતે સ્થાપિત 750 મેગાવોટના સૌર ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એશિયાના સૌથી મોટા સૌર ઉર્જા પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ફરી એક વખત ભાજપની સરકાર રચાઈ ત્યાર બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી રાજ્યના કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યા છે જે ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે, '10 જુલાઈના રોજ સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્ય પ્રદેશના રીવા ખાતે બનનારા 750 મેગાવોટના સૌર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરીશ. આ સૌર પરિયોજના 2022 સુધીમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતા વધારવાની આપણી પ્રતિબદ્ધતાને ગતિ પ્રદાન કરે છે.' આ પરિયોજના દ્વારા લગભગ 15 લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ જેટલા કાર્બન ઉત્સર્જનની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે રીવાના 1,590 એકર જમીન પર સ્થાપિત એશિયાના સૌથી મોટા સૌર પ્લાન્ટ દ્વારા જાન્યુઆરી 2020થી વીજળીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશ ઉર્જા વિકાસ નિગમ અને ભારત સરકારના સૌર ઉર્જા નિગમના સંયુક્ત ઉપક્રમ તરીકે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. ત્રણ ખાનગી કંપનીઓ અહીં 250-250 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી રહી છે. આ પ્લાન્ટ દ્વારા દરરોજ 37,000 યુનિટ વીજળી ઉત્પાદિત કરવામાં આવી રહી છે. અહીં ઉત્પન્ન થતી વીજળીને ગ્રિડમાં મોકલવામાં આવે છે જ્યાંથી તેને મધ્ય પ્રદેશ અને અન્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે.