મોરબી-

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૭૦મો જન્મ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે તેઓએ વાંકાનેર ખાતે વાદી જ્ઞાતિના લોકોને રહેવા માટે મકાન અને બાળકોને ભણાવવા માટે શાળાઓ બનાવી આપી હતી. આજે આ વાદી કોમના ૨૫૦થી વધુ પરિવારના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બાંધી અને તેમની પૂજા અર્ચના કરી રહ્યા છે. વાંકાનેર ખાતે છેલ્લા ૧૫ વર્ષથી મંદિર બાંધી વાદી કોમના લોકો નરેન્દ્ર મોદીની પૂજા કરતા હોવાનું જાણવા મળ્યું છે. વાદી જ્ઞાતિના આગેવાન આનંદગીરીના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૫માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ અમને કહ્યું હતુ કે, અમને તમારા બાળકોને શાળામાં ભણાવવા આપો એટલે હું તમને બધાને રહેવા માટે મકાન આને વીજળી-પાણી આપીશ. તેઓની આ શરત સાથે વાદી જ્ઞાતિના લોકો સહમત થતાં તમામને રહેવા માટે મકાન અને પાણી તેમજ વીજળી પૂરી પાડવામાં આવી હતી.

એટલું જ નહીં શાળા પણ બાંધી આપી હતી. અહીંના રહેવાસી કુવરનારથ વાદીના જણાવ્યાં અનુસાર હાલમાં વાદી જ્ઞાતિના લોકો નરેન્દ્ર મોદીનું મંદિર બાંધી છેલ્લા ૧૫ વર્ષથી તેઓની પૂજા અર્ચના કરી રહ્યા છે. આ મંદિરમાં મોદીના દર્શન કર્યા બાદ જ બાળકો શાળામાં પ્રવેશ કરે છે. આગામી સમયમાં અહી મોટું મંદિર બાંધવામાં આવનાર છે. વાદી વસાહતમાં રહેતા અને ત્યાં જ બનાવેલી શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ચેતન બામાણિયાના જણાવ્યાં અનુસાર વાદી વસાહતમાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે. વાદી સમાજના બાળકો શિક્ષણ તરફ આગળ વધે એ માટે પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા

ત્યારે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. હાલ આ કોમમાંથી ઘણા પરિવારના બાળકોએ સરકારી નોકરી પણ મેળવી છે, અન્ય ખાનગી નોકરી પણ કરી રહ્યા છે. જાે વાદી સમાજને નરેન્દ્ર મોદી દ્વારા રહેવા અને ભણવાની સુવિધાઓની ભેંટ ન આપવામાં આવી હોત તો કદાચ આજે પણ અમે પૂર્વજાેનો ધંધો કરી નાગ અને પશુઓ સાથે જ જીવન નિર્વાહ કરી રહ્યા હોત. પીએમ નરેન્દ્ર મોદીએ વાદી સમાજની તકલીફો સમજી તેને જરૂરિયાત પૂરી પાડી એ બદલ વાદી સમાજ તેમનો આભારી છે. આજે પીએમ નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસ પર તેઓના દીર્ઘાયુ અને સારા સ્વસ્થ માટે અમે ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ.