ન્યૂ દિલ્હી

૭૮ વર્ષીય જાણીતા શિલ્પકાર અને રાજ્યસભાના સાંસદ અને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ પ્રાપ્ત કરનાર રઘુનાથ મહાપત્રાનું નિધન થયું છે. તેમણે એમ્સ ભુવનેશ્વર ખાતે અંતિમ શ્વાસ લીધા. ગયા અઠવાડિયે તેમને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ મળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યસભાના સભ્ય રઘુનાથ મહાપત્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે પરંપરાગત હસ્તકલાને લોકપ્રિય બનાવવા બદલ તેઓને યાદ કરવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ ટ્‌‌વીટ કર્યું હતું કે ‘સાંસદ શ્રી રઘુનાથ મહાપત્રાજીના નિધનથી હું દુઃખી છું. તેમણે કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પરંપરાગત હસ્તકલાને લોકપ્રિય બનાવવામાં તેમના યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે. તેના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ. ‘ રઘુનાથ મહાપત્રનો જન્મ પુરીમાં થયો હતો. મહાપત્રાને ૧૯૭૬ માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ પછી, તેમને ૨૦૦૧ માં પદ્મ ભૂષણ અને ૨૦૧૩ માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.