નવી દિલ્હી

એક તરફ દેશભરમાં કોરોનાએ કહેર મચાવી રાખ્યો છે ત્યાં બીજી તરફ હરિદ્વારમાં ભવ્ય કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે હરિદ્વાર કુંભ મેળામાં વધી રહેલા કોરોના સંકટને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે આ કોરોના કાળમાં હવે કુંભ મેળાને પ્રતિકાત્મક જ રાખવો જોઈએ.

પીએમ મોદીએ શનિવારે સવારે ટ્વીટ કરી કહ્યું કે, "આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે આજે મેં વાત કરી છે. તમામ સંતોના સ્વાસ્થ્યનો રિપોર્ટ મેળવ્યો છે. તમામ સંતગણ પ્રશાસનને હરેક પ્રકારનો સહયોગ પણ આપી રહ્યા છે. જેના માટે મેં સંત સમાજનો આભાર વ્યક્ત કર્યો છે. સંત સમાજને મેં અનુરોધ કર્યો છે કે બે શાહી સ્નાન થઈ ચૂક્યાં છે માટે કોરોના વાયરસના સંકટને જોતાં કુંભ મેળાને હવે પ્રતીકાત્મક જ રાખવામાં આવે. આનાથી આ સંકટ સામેની લડાઈને એક તાકાત મળશે."

જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સ્વામી અવધેશાનંદ ગિરિએ કહ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આહ્વાનનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને અન્યોના જીવનની રક્ષા મહત્વપૂર્ણ છે. ધર્મ પરાયણ જનતાને મારો અનુરોધ છે કે કોરોના વાયરસની પરિસ્થિતિઓને જોતાં વધુ સંખ્યામાં સ્નાન માટે લોકો કુંભમાં ના આવે અને નિયમોનું પાલન કરે.