વડોદરા : રાજ્યના પોલીસવડા સમક્ષ શહેરની યુવતીએ મદદ માગી શહેર પોલીસની કરતૂતોની જાણકારી આપી છે. સેક્સરેકેટ અંગે પોલીસ કમિશનરને આપેલી લેખિત માહિતીમાં નામ ગુપ્ત રાખવાની સૂચના છતાં પોલીસે પોતે જ લોહીનો વેપાર કરનાર માથાભારે ઈસમોને આ અંગે માહિતી આપી દેતાં યુવતીના જાનનું જાેખમ હોવાનું ડીજીપી આશિષ ભાટિયાને મેસેજ કરી જાણકારી આપવામાં આવી છે. 

વાઘોડિયા રોડ વિસ્તારમાં ઠક્કર દંપતી દ્વારા ચલાવાતા કૂટણખાનામાં અનેક યુવતીઓને મરજીવિરુદ્ધ આ ધંધામાં ધકેલી દેવાતી હોવા ઉપરાંત કેટલીક સગીરાઓનું પણ યૌનશોષણ કરાતું હોવાની ચોંકાવનારી માહિતી શહેરની યુવતી સાયમા મેમણે પોલીસ કમિશનરને લેખિતમાં નામ ગુપ્ત રાખવાની શરતે આપી હતી. આ અંગે પોલીસ કમિશનર કચેરીમાંથી જ યુવતીનું નામ જાહેર થાય એ રીતે અરજી લઈ પોલીસ કર્મચારીઓ કૂટણખાના ઉપર પહોંચી ગયા હતા અને અરજીની વિગતો અને નામ જણાવી દેતાં માથાભારે ઈસમોએ સાયમાને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું અને પોલીસ મથકમાં અરજી ભૂલથી થઈ હોવાનું માફીનામું નહીં લખી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને યુવતીના માથે જાનનું જાેખમ ઊભું થતાં સાયમા મેમણે એના મોબાઈલથી રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાને એમના સત્તાવાર મોબાઈલ ઉપર વોટ્‌સએપ મેસેજ કર્યો છે જેમાં એનું નામ જણાવી થોડા દિવસ પહેલાં મેં એક ઈન્ફર્મેશન વડોદરા પોલીસ કમિશનરને આપી હતી જે લીક થઈ જતાં સામેવાળા મને શોધે છે. પ્લીઝ, હેલ્થ મી... એવી વિગત સાથેનો મેસેજ મોકલી મદદની ગુહાર લગાવી છે.

બીજી તરફ વડોદરા પોલીસબેડામાં આ મામલાને લઈ ભારે ચકચાર જાગી છે. આ મામલો જ્યારે હવે રાજ્યના પોલીસવડા સુધી પહોંચ્યો છે ત્યારે એની તપાસ થશે અને કસૂરવારો સામે પગલાં લેવાશે એ વાતને લઈ ભારે ચર્ચાઓ જાગી છે. પોલીસને બાતમી આપનાર યુવતીને જાનનું જાેખમ હોવાથી હવે એ રાષ્ટ્રીય મહિલા આયોગ અને કેન્દ્રિય ગૃહમંત્રીને આખા મામલાની જાણકારી આપવાની તૈયારી કરી હોવાનું જણાવ્યું છે.

બાતમીદારો જ સલામત નહીં

નવનિયુક્ત પોલીસ કમિશનર આવ્યા બાદ શહેરમાં વિદેશી દારૂના વેચાણમાં વૃદ્ધિ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે બાતમીદારોના નેટવર્ક ઉપર જ મદાર રાખતાં પોલીસ વિભાગમાં હવે બાતમીદારો જ સલામત નહીં રહેતાં વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે. મહત્ત્વની વાત તો એ છે કે, બાતમીદાર યુવતીએ વડોદરા પોલીસના સત્તાવાર ટ્‌વીટર એકાઉન્ટ ઉપર પોલીસને બાતમી આપ્યા બાદ એના જાનનું જાેખમ હોવાનું ર૧મી સપ્ટેમ્બરે સ્પષ્ટ લખ્યું હોવા છતાં આ મામલાની આજદિન સુધી તપાસ સુધ્ધાં કરવામાં આવી નથી.

પ્રથમવાર મારી જાનનું જાેખમ ઊભું થયું

સાયમા મેમણ નામની યુવતીએ અગાઉ અનેકવાર પોલીસને અત્યંત ગુપ્ત બાતમી આપ્યા બાદ અનેક સફળ ઓપરેશન પોલીસે પાર પાડયા હતા. સાયમાએ જણાવ્યું છે કે, અગાઉ અમદાવાદ કમિશનર તરીકે આશિષ ભાટિયા હતા ત્યારે મેં એમને આપેલી બાતમીથી જ ઉઝબેકિસ્તાનની યુવતી અમદાવાદમાં વેશ્યાવૃત્તિ કરતી ઝડપાઈ હતી. એવી જ રીતે વડોદરાના અગાઉના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પણ બાતમી આપી ચૂકી છે. પરંતુ હાલના પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટને બાતમી આપ્યા બાદ પ્રથમવાર મારી જાનનું જાેખમ ઊભું થયું છે, જેથી હવે બાતમી આપતાં પહેલાં સો વાર વિચારવું પડશે.