વડોદરા

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગત મોડી રાત્રે ઝેરી સાપે અડિંગો જમાવતાં ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ટોલનાકાના કર્મચારીએ સાપને રસ્તાની એકબાજુ કરી આ અંગેની જાણ એનિમલ રેસ્કયૂ સંસ્થાને કરતાં સંસ્થાના કાર્યકરોએ ચિતોડ તરીકે ઓળખાતા સાપને રેસ્કયૂ કરી વન વિભાગના હવાલે કર્યો હતો.

ચોમાસાની ઋતુ બાદ મગર તેમજ સરિસૃપો હજુ પણ રહેણાંક વિસ્તારોમાં આવી જવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલનાકા નજીક ગત મોડી રાત્રે એક કારચાલકે રસ્તાની વચ્ચે સાપ જાેતાં કાર રોકી દીધી હતી. જેના પગલે પાછળ અન્ય વાહનચાલકોએ પણ તેમના વાહન રોકી દેતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. જાે કે, ટોલનાકાના એક કર્મચારીએ રસ્તાની વચ્ચે અડિંગો જમાવનાર સાપને રસ્તાની એક બાજુએ કરતાં ટ્રાફિક શરૂ થયો હતો. જ્યારે આ અંગેની જાણ એનિમલ રેસ્કયૂ સંસ્થાના હેલ્પલાઈન પર કોલ કરત સંસ્થાના કાર્યકરો તુરંત દોડી ગયા હતા અને અત્યંત ઝેરી એવા ૪ ફૂટના રસલ વાઈપર એટલે ચિતોડના નામે ઓળખાતા સાપનેે ભારે જહેમતે રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યો હતો.