વડોદરા-

શહેરમાં અખંડ ફાર્મ કેસની યાદ અપાવતા બનેલા અન્ય એક બનાવમાં શનિવારે દારૂની મહેફીલ માણી રહેલા શહેરના કેટલાંક નબીરાઓને પોલીસે ઈંગ્લિશ દારૂ સહિત ઝડપી પાડીને તેમની પાસેથી દારૂ તથા કોલ્ડ્રીંક્સની બોટલો અને તેમની ગાડીઓ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે શનિવારે મધરાત બાદ પ્રોહિબિશન એક્ટ હેઠળ જે યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા તેમાં 10 યુવાનો અને 13 યુવતીઓનો સમાવેશ થાય છે. 


આ બાબતે પોલીસની એક યાદીમાં જણાવાયું છે કે, દારુબંધી અને જુગાર પર પ્રતિબંધના કડક અમલ માટે કરાતી કાર્યવાહી અંતર્ગત શનિવારે મધરાત પછી અંદાજે 1ઃ50ના સુમારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના  પીઆઈ જે એચ ચૌધરી તથા પીએસઆઈ આર કે ગોસાઈ અને એએસઆઈ રાજેશ ભાઈલાલ ભાઈના નેજા હેઠળની પોલીસ ટૂકડીએ શંકાને આધારે, ગોત્રી ચેકપોસ્ટ ઝાયડેક્સ બિલ્ડીંગની ગલીમાં નેપચ્યુન ગ્રીનવુડ મકાન નંબર 5માં દરોડા પાડતાં શહેરના જ 10 જેટલા ઈસમો તેમજ 13 યુવતીઓને દારૂની મહેફીલ માણતા ઝડપી લેવાયા બાદ અટકમાં રખાયા હતા. આ ઈસમો પાસેથી દારૂની બોટલો તેમજ કોલ્ડ્રીંક્સની બોટલો તથા અન્ય સામગ્રી ઉપરાંત તેમના મોબાઈલ અને ગાડીઓ સહિત કુલ 27,01,100નો મુદ્દામાલ કબજે લીધો હતો અને તેમની સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ 66(બી), 65 એ-એ, 68, 81,84 જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરી પકડાયેલા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


જે ઈસમો આ ગુનાસર અટકમાં લેવાયા હતા તેમાં-

1. રાજ હિતેશભાઈ ચગ 2. શાલીન વિશાલભાઈ શર્મા 3. માલવેગ કેતનભાઈ પ્રજાપતિ 4. વત્સલ્ય પંકજભાઈ શાહ 5. રોહિન વિષ્ણુભાઈ પટેલ 6. ધ્રુવિલ કેતનભાઈ પરમાર 7. આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમાર 8. વ્રજ સચીન શેઠ 9. મારૂફ સાદિકઅલી પાદરી 10. વરૂણ ગૌતમભાઈ અમીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 જેટલી યુવતીઓ પણ ઝડપાઈ હતી જેમની સામે અલગથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.