પટના-

બિહારના ડીજીપીએ પોલીસકર્મીઓને સૂચના આપી છે કે, ડ્યુટી દરમિયાન તે મોબાઇલ ફોન અથવા અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ ન કરે. ડીજીપીએ કહ્યું કે, આ આદેશનું ઉલ્લંઘન ગેરશિસ્ત મનાશે અને તેની સામે યોગ્ય કાર્યવાહી કરાશે. ડીજીપી અનુસાર, ડ્યુટી પર મોબાઇલ ફોનના ઉપયોગથી પોલીસકર્મીનું ધ્યાન ભટકે છે અને તેના લીધે તેમની કાર્યક્ષમતા ઘટે છે.

બિહાર ડીજીપી દ્વારા અપાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઘણી વખતે આ પ્રકારના વાતો સામે આવી છે જ્યાં પોલીસ અધિકારી અથવા પોલીસકર્મી ડ્યુટી પર જરૂર વગર મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં જાેવા મળ્યા. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મોબાઇલનો બિનજરૂરી ઉપયોગ અને સોશિયલ મીડિયા સાથે જાેડાયેલા રહી વ્યક્તિગત મનોરંજન કરવાને લીધે ડ્યુટી દરમિયાન કર્મીઓનું ધ્યાન ભટકે છે. જેનાથી તેમની કાર્યક્ષમતા ઘટે છે. બિહાર ડીજીપી તરફથી કહેવામાં આવ્યું છે કે, ડ્યુટી પર પોલીસકર્મી દ્વારા ફોનનો ઉપયોગ કરવો ગેરશિસ્ત છે અને તેનાથી પોલીસની છબી ખરાબ થાય છે. મીડિયા આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં લાવતું રહ્યું છે, જેનાથી રાજ્ય પોલીસની છબી પર નકારાત્મક અસર પડે છે. આવામાં ખાસ પરિસ્થિતિઓને બાદ કરતાં પોલીસકર્મી ફોન અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ નહીં કરી શકે.