અરવલ્લી : મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં કોરોનાની મહામારી ખુબ જ વકરી રહી હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ રેપીડ ટેસ્ટમાં અનેક લોકોના કોરોના પોઝેટીવ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં મૃત્યુદરમાં અમદાવાદ પછી અરવલ્લી જિલ્લો બીજા ક્રમે છે. મોડાસા શહેરમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. મોડાસા શહેરમાં કોરોના વાયરસ અંગે લોકો હજુ પણ જાગૃત નથી તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. મોડાસા શહેરમાં મોડી રાત્રે લોકો પણ બાઈક લઈ રોડની બાજુમાં ચાની કીટલીએ,ધાબા-હોટલ પર સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડાડી માસ્ક વગર બિન્દાસ્ત ટોળેટોળા વળી એકઠા થતા હોવાની બૂમો ઉઠતા ડીવાયએસપી ભરત બસીયા પોલીસ કાફલા સાથે રાત્રે ફૂટ પેટ્રોલિંગ પર નીકળતા અને રોડ પર ટોળે વળી ગપ્પા મારતા લોકો પર દંડાબાજી કરતા નાસભાગ મચી હતી. શહેરના મુખ્યમાર્ગો પર ભારે અફડાતફડી મચી હતી. શનિવારે રાત્રે ૧૧ વાગ્યાના સુમારે ડીવાયએસપી ભરત બસીયા અને તેમની ટીમે મોડાસા શહેરના માલપુર રોડ,મેઘરજ રોડ, કોલેજ રોડ પર બાઈક અને વિવિધ વાહનો લઈ રખડપટ્ટી કરતા અને પાન પાર્લર,ચાની હાટડીઓ અને ધાબા-હોટલ બહાર ટોળેટોળા વળી એકઠા થયેલા લોકો સામે સરકારી ગાઈડલાઈનની અમલવારી માટે સંયમપૂર્વક ચેતવણીરૂપી કામગીરી કરતા રાત્રીના માર્ગો પર ભારે અફડાતફડી અને નાસભાગ મચી હતી. શહેરના સુમસામ માર્ગો પર અચાનક વાહનચાલકો અને ચાલતા લોકોએ પોલીસ કાર્યવાહીથી બચવા દોટ મુકતા પોલીસતંત્રની કામગીરીને નાગરિકોએ ડીવાયએસપીની કામગીરીને આવકારી હતી.