વડોદરા : શહેરમાં સ્પાના રૂપાળા નામ હેઠળ ગોરખધંધા કરનાર પરેશ પટેલને જે.પી.રોડ પોલીસ ખાસ કારણોસર છાવરી રહી હોવાનો આક્ષેપ એની સામે ફરિયાદ કરનાર પત્નીએ કર્યો છે. રશિયન યુવતી સાથે ગેરકાયદેસર સંબંધો વિકસાવી અનૌરસ પુત્રને જન્મ આપ્યા બાદ શારીરિક-માનસિક ત્રાસ બદલ ફરિયાદ બાદ પરેશ પટેલ અને રશિયન યુવતી હન્નાને પોલીસે ભાગી જવા સેફ પેસેજ આપ્યો હોવાની વાત ફરિયાદી જિજ્ઞા પટેલે જણાવી છે. 

અગાઉ ત્રણવાર પતિ પરેશ પટેલ સામે ફરિયાદ નોંધાવા છતાં ભારે વગ ધરાવતા પરેશ પટેલ સામે કોઈપણ કાર્યવાહી થઈ ન હતી. ઉપરથી દર વખતે ફરિયાદ બાદ પરેશ પટેલનો ત્રાસ વધતો જતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે પરેશ પટેલે પત્ની જિજ્ઞાને મારેલા મારને કારણે ૨૦ ટકા પેરાલિસીસની અસર થઈ હતી અને પત્નીની કાર પણ ખોટું બોલી લઈ ગયા બાદ પચાવી પાડી હતી. જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતાં જિજ્ઞાએ ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી, તેમ છતાં પરેશ પટેલ અને રશિયન યુવતીને હજી સુધી પોલીસ પકડી નહીં શકતાં જિજ્ઞા પટેલે આ અંગે નારાજગી વ્યક્તિ કરી પોલીસ દબાણમાં આવી જાણીબુઝીને ઢીલી નીતિ અપનાવાતી હોવાનો આરોપ લગાવ્યો છે.

મહિલા પોલીસને સાથે રાખ્યા વગર પરેશ પટેલના ઘર ક્લાસિક એપાર્ટમેન્ટ ખાતે ગયેલી જે.પી.રોડ પોલીસ મથકની ટીમને રશિયન યુવતીએ ઘરમાં પણ પ્રવેશવા નહીં દેતાં પોલીસને વિલામોંઢે પરત ફરવું પડયું હતું, જેને લઈને પરેશ પટેલને પકડવા માટે વડોદરા પોલીસ કેટલી સજાગ છે એ જાણી શકાય એમ હોવાનું એની પત્નીએ જણાવ્યું છે.