વડોદરા : એનઆરઆઈ વૃદ્ધનું રૂા.૧ કરોડના બે ફલેટ પચાવી પાડવાના મામલાની શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ ગંભીર નોંધ લઈ કડક કાર્યવાહીના આદેશ કર્યા છે. બિચ્છુગેંગનો સાગરિત મનાતો રજબદ્દીન ઉર્ફે જગ્ગુ અને એક રાજકીય કાર્યકર ઉપરાંત બે ગુંડા સામે વૃદ્ધે શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. બીજી તરફ આ મામલો પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચતાં પીએમઓ દ્વારા વૃદ્ધને ન્યાયની હૈયાધારણા આપવામાં આવી છે.

આર.વી.દેસાઈ રોડ પર રહેતા વસીમ સલાહઉદ્દીન તોરાબઅલી જાપાનવાલા નામના ૮૦ વર્ષીય વૃદ્ધ એનઆરઆઈ છેલ્લા બે દિવસથી પોલીસ ભવનમાં જઈ પોલીસ કમિશનર ડો. સમશેરસિંગથી માંડી બીજા ઉચ્ચ અધિકારીઓને નોટરી દ્વારા પ્રમાણિત કરેલા સોગંદનામા સ્વરૂપે લેખિત ફરિયાદ કરી જગ્ગુ અને તેના બે ગુંડાઓ અને એક રાજકીય કાર્યકરે ભેગા મળી એના રૂા.૧ કરોડની કિંમતના બે ફલેટ પચાવી પાડયા હોવાની રજૂઆત કરી હતી. જેના પગલે ચોંકી ઊઠેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલાની તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. વૃદ્ધ એનઆરઆઈએ પોલીસ કમિશનરને જણાવ્યું છે કે હાલમાં સિનિયર સિટિઝનો માટે પોલીસે શહેરમાં વસતા વૃદ્ધોની કાળજી લેવાનો અભિગમ શરૂ કર્યો છે, એનો મને આનંદ છે અને પોલીસ કમિશનરને સંબોધીને લખ્યું છે કે આપ ખૂબ પ્રામાણિક અને નીડર છો, તેથી મને ન્યાયની આશા જાગી છે. હાલમાં જ ગુજસીટોક અંગેની કાર્યવાહી ગુંડાતત્ત્વો સામે હાથ ધરાઈ રહી છે જેને લઈને વૃદ્ધોમાં ખુશી લાગણી વ્યાપી છે.

વૃદ્ધ વસીમભાઈએ પ્રતાપનગર પાસે રાફિયા પાર્કમાં ૨૦૧૬માં રાખેલા બે ફલેટ બાદ તેઓ જાપાન જતા રહ્યા હતા. બિલ્ડર જમીલ પાલેજવાળાએ આ એપાર્ટમેન્ટનું બાંધકામ લાંબા સમય સુધી પૂરું કર્યું ન હતું, તેમ છતાં ફલેટ નં.૪૦૨ અને ૪૦૩ની પૂરેપૂરી રકમ ચૂકવી દઈ દસ્તાવેજ કર્યો હતો, તેમ છતાં પઝેશન અને ચાવી નહીં આપતાં મેં મારા પુત્રના સસરા ઝહીર અમીરીને વાત કરી હતી. માથાભારે બિલ્ડર સામે લડવા આ વિસ્તારના ડોન રજબુદ્દીન ઉર્ફે જગ્ગુને હું ઓળખું છું એ તમને મદદ કરશે પણ પાવર ઓફ એટર્ની આપવો પડશે એમ જણાવી પાવર ઓફ એટર્નીના નામે નોટરી ગરીબીલાલાને હાજર રાખી જગ્ગુની ઓફિસમાં ધાકધમકી આપી સેલડીડ ઉપર મારી સહીઓ કરાવી લીધી હતી.

આ અંગે મેં વાડી પોલીસ મથકે અરજી કરતાં મારી અરજીની તપાસ કરવાને બદલે મને જ આરોપી બનાવી વાડી પીઆઈએ પૂરો દીધો હતો અને મેં માંડ જામીન ઉપર છૂટી હાઈકોર્ટમાં જઈ એફઆઈઆર ઉપર સ્ટે મેળવ્યો હતો. તેમ છતાં વાડી પીઆઈ કે.પી.પરમાર જગ્ગુની હાજરીમાં મને પોલીસ મથકે બોલાવી ધમકાવતા હતા અને બીભત્સ ગંદી ગાળો બોલતા હતા. કહેવાત સેલડીડમાં ૬૦ લાખ રોકડાનો ઉલ્લેખ છે એની કોઈ તપાસ જ થઈ નથી. વૃદ્ધે અરજીમાં જગ્ગુ બિચ્છુગેંગનો માણસ છે અને ગેંગને આર્થિક મદદ કરે છે તેમ છતાં મને શહેર પોલીસતંત્ર પર વિશ્વાસ છે કે મારા જેવા ૮૦ વર્ષના વૃદ્ધને આ ગુંડાઓએ હેરાન કરી નાખ્યો હોવા ઉપરાંત મારી મિલકત પડાવી લીધી હોવાથી મારી મિલકત પરત અપાવવા માટે શહેર પોલીસ કમિશનરને વિનંતી કરી છે.

ત્રિપુટીની કોલ ડિટેઈલમાં ચોંકાવનારી હકીકત બહાર આવશે

વૃદ્ધ એનઆરઆઈએ પોલીસ કમિશનર સમક્ષ કરેલા સોગંદનામામાં બિલ્ડર બની બેઠેલા જગ્ગુ અગાઉ સિનેમાની ટિકિટો બ્લેક કરતો હોવાનું જણાવ્યું છે. જ્યારે બિચ્છુગેંગનો સૂત્રધાર મુન્નો તડબૂચ જગ્ગુની માસીનો દીકરો હોવા ઉપરાંત એક રાજકીય કાર્યકરની મદદથી જમીનો પચાવી પાડવા બિચ્છુગેંગની મદદ લે છે અને પીઆઈ પરમાર સાથે જગ્ગુનો ખાસ ઘરોબો છે. આ ત્રિપુટીની કોલ ડિટેઈલ કાઢવામાં આવે તો અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી શકે એમ હોવાનું વસીમભાઈએ પોલીસ કમિશનરને લેખિત સોગંદનામામાં આપ્યું છે.

વાડી પીઆઈની શંકાસ્પદ ભૂમિકા!

આખા મામલામાં વાડી પોલીસ મથકના પીઆઈ કે.પી.પરમારની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાવી વૃદ્ધ પીઆઈ દ્વારા મકાનની માલિકીના કોઈપણ જાતના દસ્તાવેજાેની ચકાસણી કર્યા વગર સીધી જ ફરિયાદ નોંધી પાસા કરી દેવાની ધમકી પણ આપી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ તથ્ય જણાતાં આગામી દિવસોમાં વાડી પીઆઈ સામે કાર્યવાહી થશે એવી પરિસ્થિતિ સર્જાઈ છે.

૫ીએમઓ સુધી રજૂઆત

વૃદ્ધ એનઆરઆઈને વાડી પોલીસે ઊલટા ચોર કોટવાલ કો ડાટે એમ આરોપી બનાવી દેતાં છેક વડાપ્રધાન કાર્યાલયને ઓનલાઈન રજૂઆત કરી છે જેમાં પીએમઓ ખાતેથી વૃદ્ધને ફરિયાદ મળી ગઈ હોવાનું જણાવી ૯૦ દિવસમાં જ આપની ફરિયાદનો નિકાલ કરવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે.