દિલ્હી-

રાજધાનીમાં ૨૬મીએ ભારે હોબાળો કર્યા બાદ લાલ કિલ્લા પર ચઢાઈ કરીને તેના પ્રાંગણમાં તોડફોડ તેમજ તેના ગુંબજ પર ધ્વજ ફરકાવવાના કેસમાં પોલીસ હજી અપરાધીઓને પકડવા પ્રયાસ કરી રહી છે. પંજાબી ફિલ્મ અભિનેતા દીપ સિધ્ધુ સહિતના આરોપીઓને પકડવા માટે પોલીસે તેમના માથે ઈનામની પણ જાહેરાત કરી છે.

દીપ સિધ્ધુની માહિતી આપનારાને રુપિયા એક લાખનું ઈનામ અપાશે એવી જાહેરાત થઈ હતી. સાથે જ જજબીર સિંહ, બુટા સિંહ, સુખદેવ સિંહ અને ઈકબાલ સિંહ નામના અન્ય ચાર શખ્સોને પણ પોલીસ શોધી રહી છે અને તેમના ઠેકાણાની સાચી માહિતી આપનારાને પોલીસ દરેક માટે રુપિયા ૫૦,૦૦૦નું ઈનામ આપશે એવી જાહેરાત કરાઈ હતી. લાલ કિલ્લામાં થયેલી હિંસા પાછળ આ તમામને દોષિત મનાયા છે અને મંગળવારે પોલીસે તેમની તસવીરો પણ જાહેર કરી છે.

જાે કે, મુખ્ય આરોપી દીપ સિધ્ધુ સોશ્યલ મિડિયા પર સતત એક્ટીવ છે અને તેણે ત્યાં સુધી જણાવ્યું હતું કે, પોલીસે તેને પકડવો હોય તો ખાલી અડધો કલાકમાં તે તેના સુધી પહોંચી શકે છે. તેણે કહ્યું હતું કે, તે સિંઘુ બોર્ડરથી માત્ર અડધા કલાકના અંતરે છે અને હરિયાણામાં છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આજે હરિયાણામાં મહાપંચાયત બોલાવી છે.