વડોદરા, તા. ૨૩

ફ્લિપકાર્ટ ઓનલાઇન શોપિંગ દરમ્યાન ગ્રાહકોને મટીરીયલ પહોચાડતી કુરિયર કંપનીમાં ડિલિવરી બોય અને અગાઉ કંપનીમાં કામ કરતા કર્મચારીએ ૩ લાખથી વધુની કિંમતના એપલ કંપનીના ૧૨ નંગ એરપોર્ડસની ચોરી કર્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે તપાસ કરતા બંન્ને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અલકાપુરી સારથી કોમ્પલેક્ષ ખાતે આવેલ ઇન્ટાકાર્ડ કુરિયર કંપનીના કર્મચારીઓ ૨૦૨૨ના ઓકટોબર માસ દરમિયાન સ્ટોકમાં કેટલાક પાર્સલ ઓછા જણાઇ આવ્યા હતા. વોચ ગોઠવતા કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો અંકિત રોહિત એપલ કંપનીનું એરપોર્ડસ ચોરી કરતા ઝડપાયો હતો. સ્ટોકની ગણતરી સમયે ત્રણ લાખની કિંમતના એપલ કંપનીના ૧૨ નંગ એરપોર્ડસ ચોરી થયાની વિગતો બહાર આવી હતી. જેથી ટીમ લીડરે આ ચોરીમાં અંકિત અંબાલાલ રોહિત તથા અગાઉ કામ કરતા કર્મચારી વરૂણ અશોકભાઇ પટેલની સંડોવણી હોવાનું જણાઇ આવ્યું હતી. આ બનાવની જાણ સયાજીગંજ પોલીસને કરતા સયાજીગંજ પોલીસે ડિલિવરી બોય અને પૂર્વ કર્મચારી વિરૂધ્ધ ગુનો નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં બંન્ને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી.