વડોદરા-

પોલીસ તાલીમ શાળાના દીક્ષાંત સમારોહમાં પ્રત્યેક જવાનને રાષ્ટ્ર ની સાથે જન સેવાને સમર્પિત રહેવાના શપથ લેવડાવવામાં આવે છે. આ શપથ ને વફાદાર રહેવાનું ઉજ્જવળ ઉદાહરણ પ્રસ્તુત કરતાં વારસિયા પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી અરુણ બી.મિશ્રાએ હાલમાં કોવિડ કટોકટી ને પગલે વધી ગયેલા ફરજો સંબંધી વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને ઇન્દુ બ્લડ બેંકના સહયોગ થી 500 એમ.એલ.બ્લડ પ્લાઝમા નું દાન કર્યું હતું. ધ્યાન રહે કે જેમની કોવિડ સામેની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઊંચી હોય એમના લોહીના રક્ત કણો એટલે કે બ્લડ પ્લાઝમા કોવિડ સંક્રમિત અને ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા દર્દીને સાજા કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે.

લેબ તપાસમાં તેમની કોવિડ પ્રતિકારક શક્તિ 18.60 જેટલી અત્યંત ઊંચી જણાતા તેમણે તબીબી પરામર્શ પ્રમાણે પ્લાઝમા દાન નો માનવતાસભર અને ખાખી વર્દીને દીપાવતો નિર્ણય લીધો હતો.  પ્લાઝમા ડોનેશન પછી દાતા ને થોડોક આરામ લેવાની સલાહ આપવામાં આવે છે. જો કે તેમણે ફરજના સાદ ને માન આપીને તુરત જ ફરજમાં જોડાઈ જવાનું પસંદ કર્યું હતું. અરુણભાઈ કોવિડ કટોકટી ની શરૂઆત થી એટલે કે 2020 ના માર્ચ મહિના થી જ સતત ફરજમાં વ્યસ્ત રહ્યાં છે.તેના ભાગરૂપે સતત સયાજી હોસ્પિટલ ના કોવિડ વિભાગ સાથે કામ કરવાનું બન્યું છે.આ દરમિયાન તેમને એકાદવાર તાવ આવ્યો પરંતુ કુદરતી પ્રબળ રોગ પ્રતિકારક શક્તિ ને કારણે ખાસ પ્રભાવ પડ્યો નહિ. તેવો કહે છે કે નિયમિત વ્યાયામ એટલે કે વર્ક આઉટ ની આદત ને લીધે તેમના શરીરની ચુસ્તી અને સપ્રમાણતા જળવાઈ છે.તેઓ ઉનાળામાં પણ રોજ સવારે લીંબુ મિશ્રિત ગરમ પાણીનું નિયમિત સેવન કરે છે.આહાર વિહાર ના નિયમો એટલે કે ભોજન ડાયટમાં ખૂબ સંયમ પાળે છે.સંપૂર્ણ નિર્વ્યસની જીવન જીવે છે.

 તેમનું માનવું છે કે આ બધાને પરિણામે જ તેમની રોગ પ્રતિકારક શક્તિ અત્યંત ઉમદા કહી શકાય તેટલી,18.45 ના અંક થી પણ ઊંચી 18.60 જેટલી છે અને તેના પરિણામે જ કોવિડગ્રસ્ત કોઈનું પણ જીવન બચે તેવા ઉમદા આશય થી તેમણે પ્લાઝમા દાન કર્યું છે. તેઓ માને છે કે સંકટ પીડિત કોઈનું જીવન બચાવવા થી મોટું માનવતાનું અન્ય કોઈ કામ ના હોઇ શકે. ખરેખર અરુણભાઈ એ તેમના જીવન રક્ષક પ્લાઝમા દાન દ્વારા પોલીસ ના ગણવેશમાં જન સેવા એ જ સાચી પ્રભુ સેવાનું સૂત્ર સાચા અર્થમાં સાકાર કર્યું છે.