વડોદરા

અગાઉના પોલીસ કમિશનર અનેક વિવાદોમાં ઘેરાયા બાદ માત્ર થોડાંક દિવસોમાં એમની બદલી થઈ હતી. જેમના સ્થાને નવનિયુક્ત પોલીસ કમિશનર તરીકે કડક છાપ ધરાવતા પ્રામાણિક અધિકારી ડો. સમશેરસિંગની નિમણૂક થતાં શહેરીજનોમાં ગુનાખોરી ઉપર કાબૂ અને પોલીસતંત્રનો ભ્રષ્ટાચાર બંધ થશે એવી આશા જાગી હતી. પરંતુ એવું નહીં થતાં સામાન્યજનોમાં નિરાશા વ્યાપી છે અને એના કારણોની ચર્ચાઓ ચાલી રહી છે. નિયુક્તિના પ્રથમ દિવસે જ જાણે કે સી.એમ. કાર્યાલયથી ખાસ એજન્ડા સર ડો. સમશેરસિંગને વડોદરામાં મુકાયા હોય એમ લેન્ડ ગ્રેબિંગ અને ગુજસીટોક હેઠળ કાર્યવાહીને પ્રાથમિકતા આપવામાં આવશે એમ જણાવ્યું હતું. બીજી તરફ પીસીબી, ડીસીબી અને એસઓજીના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓને પણ બદલ્યા હતા અને એમના અને પરિવારજનોના મોબાઈલ ફોનના નંબરોની માહિતી પણ મેળવી હોવાનું પોલીસબેડામાં ચર્ચાતું હતું.

જેના કારણે પ૦ હજારથી માંડી ૧ લાખ રૂપિયાનો મોબાઈલ વાપરતા પોલીસ કર્મચારીઓએ મોંઘાદાટ ફોન ઘરે મુકી સામાન્ય મોબાઈલ ફોન વાપરવાનું શરૂ કર્યું હતું. એવી જ રીતે શહેર પોલીસતંત્રના ૯૦ ટકા પોલીસ કર્મચારીઓ વૈભવી કારો લઈને ફરજ ઉપર આવતા હતા એ પણ મોટરસાઈકલ કે એક્ટિવા લઈને આવતા થયા હતા અને વૈભવી કારોને કવરો લગાવી ઘરે પાર્ક કરી દીધી હતી. પરંતુ છેલ્લા ૧૫ દિવસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને કાર્યરીતિથી ખુદ પોલીસબેડામાં જ પોલીસ કમિશનરના હાથ કોઈ કારણોસર બંધાયેલા હોવાનું લાગતાં હવે ફરી મોંઘાદાટ સ્માર્ટ ફોન અને વૈભવી કારો લઈ પોલીસ કર્મચારીઓ પુનઃ ફરજ ઉપર આવતા થઈ ગયા છે. જાે કે, ગુજસીટોકના નામે માત્ર એક જ ગેંગ બિચ્છુને પોલીસ કમિશનરે ટાર્ગેટ કરી ૨૬ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.

જેમાં હજુ પણ ૬ જેટલા આરોપીઓ ઝડપાયા નથી અને શહેરમાં હજુ પણ બીજી ગેંગ કાર્યરત છે અને માથાભારે તત્ત્વો કોઈપણ ડર વગર છૂટા ફરી રહ્યા છે. શહેરીજનો માની રહ્યા છે કે આગામી પાલિકાની ચૂંટણીઓને કારણે પોલીસ કમિશનર અત્યાર સુધી શાંત રહ્યા છે. ચૂંટણીઓ બાદ અસલી સ્વરૂપમાં બહાર આવશે એમ માનવામાં આવી રહ્યું છે, જાે એમ થાય તો સારું એવું ચર્ચાઈ રહ્યું છે.

ધમકી અને કચેરીની તોડફોડ એમ બંને મામલામાં પોલીસની ઢીલી નીતિ

 દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ગુનો દાખલ કરતાં પોલીસ કમિશનર કેમ પાછા પડે છે એવો સવાલ ઊભો થયો છે. ચેનલના લાઈવ પ્રસારણમાં મધુ શ્રીવાસ્તવે પત્રકારને ધમકી આપી હતી એ આખી દુનિયાએ જાેયું છે, એ સમયે પોલીસ પણ હાજર જ હતી. તેમ છતાં વીડિયો રેકોર્ડિંગ પત્રકારો પાસે માગ સાયબરમાં મોકલી મામલો ઠંડો પાડવાનો પ્રયત્ન પોલીસ કમિશનર કરી રહ્યા છે. ચૂંટણી અધિકારીની કચેરીમાં તોડફોડમાં પણ પોલીસ ફરિયાદ બની શકે એમ હોવા છતાં માત્ર ડાયરીમાં એન્ટ્રી કરી મામલો ધરબી દેવાયો છે.

પત્રકારને ધમકીના મામલાની તપાસ અંતે એસીપી ક્રાઈમને સોંપાઈ

ચોથી જાગીર સમા પત્રકારને ન્યાય નહીં આપી શકતા પોલીસ કમિશનરે અંતે પત્રકારને મધુ શ્રીવાસ્તવે આપેલી ધમકીના બનાવની તપાસ એસીપી ક્રાઈમ ચૌહાણને સોંપી છે. જ્યાં મધુ અને દાદાગીરીનો ભોગ બનેલા પત્રકાર અમિત ઠાકોરના જવાબો લઈ પુરાવા ચકાસી પોલીસ કમિશનરને અહેવાલ અપાયા બાદ નિર્ણય લેવાશે એમ જાણવા મળ્યું છે.