વડોદરા : પાણીગેટ રોડ એસબીઆઈ બેંકની સામે ડોસુમિંયાના ખાંચામાં આવેલી એક મસ્જીદમાં આજે બપોરે રમજાન માસ નિમિત્તે નમાજ પઢવા માટે ટોળું ભેગુ થયાની જાણ થતાં વાડી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ પહોંચે તે અગાઉ મસ્જીદમાંથી નમાજ પઢીને ટોળાએ બહાર નીકળવાની શરૂઆત કરતા પોલીસે કોઈને અટકાવ્યા નહોંતા પરંતું કોરોનાના કારણે તંત્રની મનાઈ હોવા છતાં ધાર્મિકસ્થળ ખુલ્લું રાખી ભીડ ભેગી કરનાર ડોસુમિયા મસ્જીદના ત્રણ વહીવટકર્તાઓ વિરુધ્ધ વાડી પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

હાલમાં રાજ્યભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે શહેર પોલીસ કમિ.દ્વારા રાત્રે આઠથી સવારના છ સુધી કરફ્યુ તેમજ આવશ્યક ચીજવસ્તુઓ સિવાય અન્ય તમામ દુકાનો બંધ રાખવા તેમજ તમામ ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જાેકે આ જાહેરનામું અમલમાં હોવા છતાં આજે બપોરે પાણીગેટરોડ પર એસબીઆઈ સામે ડોસુમિંયાના ખાંચામાં આવેલી ડોસુમિંયા મસ્જીદમાં રમજાન માસ નિમિત્તે ૭૦થી ૮૦ લોકો નમાજ અદા કરવા માટે ભેગા થયા હોવાની વાડી પોલીસને માહિતી મળી હતી. આ માહિતીના પગલે વાડી પોલીસનો કાફલાએ ઘટનાસ્થળે દોડી તપાસ કરી હતી જેમાં મસ્જીદમાં આશરે ૬૦થી ૭૦ લોકો નમાજ અદા કરીને મસ્જીદમાંથી બહાર નીકળતા નજરે ચઢ્યા હતા.

જાેકે પરિસ્થિતિ વણસે નહી તે માટે પોલીસે મસ્જીદમાંથી બહાર નીકળતા કોઈ વ્યકિતને રોકી નહોંતી પરંતું પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરીને મસ્જીદ ખુલી રાખી તેમાં ટોળું ભેગુ કરનાર ડોસુમિયા મસ્જીદના ત્રણ વહીવટકર્તા-ટ્રસ્ટીઓ ફિરોઝ સુલેમાન સુમા, આરીફ ઉસ્માનમિંયા સિંધી અને મન્સુર હારુણભાઈ વિંદાણી (ત્રણેય રહે.ડોસુમિંયા મસ્જીદ પાસે) વિરુધ્ધ વાડી પોલીસ મથકના પીએસઆઈ એમ.જી.કરડાણીએ સરકારતર્ફે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કોરોનાના કારણે પોલીસે ત્રણેય આરોપી વહીવટકર્તાઓની અટકાયત કરી નહોંતી પરંતું તેઓને જ્યારે પોલીસ બોલાવે ત્યારે પોલીસ મથકમાં હાજર રહેવા માટે સુચના આપી હતી.