વડોદરા, તા.૧૨

કરોના મહામારીને પગલે કરફયૂના અમલમાં શરૂઆતમાં ઢીલાશ રાખનાર શહેર પોલીસે રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ સખ્તતાઈથી પગલાં લેવાની શરૂઆત કરી છે. રવિવારે રાત્રે જાહેરનામાના ભંગના પ૦થી વધુ ગુનાઓ નોંધી રપ જેટલા વાહનો પોલીસે ડિટેઈન કર્યા છે, જ્યારે પોલીસ સાથે ઘર્ષણ કરનારા ચાર જણાની ધરપકડ કરવામાં આવી હતી.શહેરીજનોને સંક્રમિત બનતાં અટકાવવા માટે રાત્રિના ૮થી સવારના ૬ સુધી કરફયૂ લાદી લોકોને ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, તેનું ઉલ્લંઘન કરતા પોલીસે જાહેરનામા ભંગ અંગેના ૫૦થી વધુ ગુનાઓ નોંધ્યા છે, જ્યારે ૨૫ જેટલા વાહન ડિટેઈન કર્યાં છે.આ ઉપરાંત ૮ વાગ્યા પછી નાસ્તાની રેંકડી, દુકાનો ખૂલ્લી રાખનાર વેપારીઓ, ટુ વ્હિલર, ફોર વ્હિલર, ઓટોરિક્ષા સહિતના વાહનોમાં નિયત કરતાં વધુ લોકોને બેસાડનાર ચાલકો સામે, તદ્‌ઉપરાંત નાસ્તા સહિતની દુકાનોમાં લોકોની ભીડ એકઠી કરી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. વારસિયા વિસ્તારમાં રાત્રિ કરફયૂનો ભંગ કરી જનરલ સ્ટોર તેમજ ખાણી-પીણીની દુકાન ચલાવનાર વેપારી ભરત રૂપચંદાણી (રહે. સંતકવર કોલોની, વારસિયા), આમલેટની લારી ચાલુ રાખનાર હર્ષદ તડવી (રહે. ગીતાંજલિ સોસાયટી, કપુરાઈ ચોકડી પાસ) તથા હર્ષિલ માછી (રહે. ગાયત્રીનગર, હરણી વારસિયા રિંગ રોડ) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ માસ્ક ન પહેરનાર લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જવાહર નગર પોલીસ મથકના જવાનો બાજવા બજાર ખાતે માસ્ક ચેકિંગની કામગીરીમાં હતા, તે સમયે ચાર શખ્સો આવી પહોંચ્યા હતા અને રોડ ઉપર ઊભા રહી પૈસા ઉઘરાવો છો તેમ જણાવી અપશબ્દો બોલ્યા હતા, તે પૈકીના એક શખ્સે પોતાના મોઢા ઉપરથી માસ્ક કાઢી મારી પાવતી ફાડો તેમ કહી બૂમરાણ મચાવી હતી.