વડોદરા : શહેરના ફતેગંજ પોલીસ મથકની અંદર જ મોતને ઘાટ ઉતારાયેલા મનાતા શેખ બાબુનો મૃતદેહ શોધવા માટે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે આજે વધુ એકવાર કવાયત હાથ ધરી હતી. અગાઉ નર્મદા કેનાલ બાદ આજે શહેરની આસપાસના સાત ગામો નજીકથી પસાર થતી મહી નદીના કોતરો પોલીસ ખુંદી વળી હતી. જાે કે, કોઈ મહત્ત્વના પુરાવા નહીં મળી શકતાં આગામી દિવસમાં પુનઃ નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવશે. તા.૧૦ ડિસેમ્બર, ૨૦૧૯ના દિવસે શહેરના ફતેગંજ પોલીસ મથકમાં તત્કાલીન પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ કોન્સ્ટેબલોએ ચોરીના શકમંદ શેખ બાબુને ટોર્ચર કરી હત્યા કર્યા બાદ લાશનો નિકાલ કરી દીધો હતો. શેખ બાબુની લાશ શોધવા માટે આજે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ વડોદરા તાલુકાના સાત જેટલા ગામોમાં શોધખોળ શરૂ કરી છે જેમાં મહીસાગરના કોતરોમાં તપાસ શરૂ કરી રહી છે. આ પહેલાં ર૦ ઓકટોબરે વડોદરા ફાયર બ્રિગેડની ચાર ટીમ અને એસડીઆરએફની ચાર ટીમોએ મશીનરીનો ઉપયોગ કરીને કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જાે કે, માનવ મૃતદેહના કોઈ અવશેષ મળી આવ્યા નહોતા. ગોરવા મધુનગર પાસેના ગેટમાં કેટલાંક હાડકાં મળ્યાં હતાં, જેની એફએસએલ દ્વારા તપાસ કરાવાતાં હાડકાં પ્રાણીનાં હોવાનું બહાર આવ્યું હતું. 

બીજી તરફ શેખ બાબુના પુત્ર સલીમે જણાવ્યું હતું કે, બે માસથી આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે પણ આરોપીઓ પાસેથી તે કોઈ જ કડી મેળવી શકી નથી અને કડી મેળવ્યા વગર જ નર્મદા કેનાલમાં સર્ચ કરાયું હોય તેવું તેમને લાગે છે. ૧૧ માસ પછી લાશ કેનાલના પાણીમાં પડી હોય તે કેટલે હદે શક્ય છે તેવી શંકા તેમણે વ્યક્ત કરતાં આરોપ લગાવ્યો હતો કે સીઆઈડી હવે માત્ર ટાઈમ પાસ કરી રહી છે.

આ કેસને હવે સીટ કે સીબીઆઈને સોંપવાની માગ તે અદાલત સમક્ષ કરશે તેમ જણાવ્યું હતું. તા.૧૦ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ બપોરના સમયે ચોરીના ગુનાની કબૂલાત કરાવવા માટે ફતેગંજ પોલીસ મથકના એલઆરડી પંકજ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ શેખ બાબુને ટીપી-૧૩ વિસ્તારમાંથી ફતેગંજ પોલીસ મથક ખાતે લઈ ગયા હતા, જ્યાં પોલીસ મથકના તત્કાલીન પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ કોન્સ્ટેબલોએ શેખ બાબુને કોમ્પ્યૂટર રૂમમાં ખુરશી સાથે બાંધ ઢોર માર માર્યો હતો, જેમાં શેખ બાબનું મોત નીપજ્યું હતું. જેથી પોલીસ કર્મચારીઓએ મૃતદેહને આયોજનપૂર્વક સગેવગે કરી દીધો હતો. તત્કાલીન પીઆઈ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પીએસઆઈ દશરથ રબારી અને ચાર પોલીસ કોન્સ્ટેબલ પંકજ યોગેન્દ્રસિંહ, રાજેશ અને હિતેશ સામે હત્યાનો ગુનો દાખલ થતાં તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. શેખ બાબુની હત્યાકેસની તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાયાના ગણતરીના દિવસોમાં જ આ છ આરોપીઓ હાજર થયા હતા. જેથી તમામને કોર્ટમાં રજૂ કરી દસ દિવસ એટલે કે ૧૧ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી હતી. પરંતુ ૧૦ દિવસના રિમાન્ડ દરમિયાન પણ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ શેખ બાબુની લાશનો પત્તો મેળવી શકી નહોતી અને આ છ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તમામને કોર્ટમાં રજૂ કરીને વધુ ચાર દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જાે કે, વડોદરા કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરીને છ પોલીસ કર્મચારીઓ-આરોપીઓને જેલના હવાલે કર્યા હતા. શેખ બાબુ હત્યાકેસમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ૧૦ દિવસના રિમાન્ડ દરમિયાન તેમનું લેપટોપ અને મોબાઈલ કબજે કર્યા હતા. જાે કે, રિમાન્ડમાં છેલ્લા દિવસ સુધી લાશનો નિકાલ ક્યાં કરાયો હતો તે વિશે આરોપીઓએ મૌન સેવ્યું હતું.બીજી તરફ હાઈકોર્ટે પણ કડક વલણ અપનાવતાં સીઆઈડી બ્રાન્ચ મૃતદેહ શોધવાનો દેખાડો કરી રહી હોવાનું કહેવાય છે. જ્યારે નાર્કોટેસ્ટ માટે આરોપીઓએ ઈન્કાર કરતાં મામલો વધુ પેચીદો બન્યો છે.  

સીઆઈડીની છ ટીમ મહી નદીના કોતરોમાં પહોંચી

સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી મહીસાગર નદીના કોતરોમાં તપાસ અર્થે ગામના સરપંચ-તલાટી કમ મંત્રીને સૂચના આપવા જણાવ્યું હતું. જેમાં શહેર નજીકના કોટણા, અનગઢ, સિંધરોટ, શેરખી, અંપાડ અને હિંગલોટ ગામની આસપાસ આવેલા મહીનદીના કોતરોમાં શેખ બાબુનો મૃતદેહ શોધવા માટે વહેલી સવારથી સીઆઈડીની છ ટીમો પહોંચી ગઈ હતી.

કેસર શેઠના પેટ્રોલ પંપ ઉપર પણ તપાસ હાથ ધરાશે

પીઆઈ ડી.બી.વાઘેલાના નજીકના મનાતા ‘કેસર શેઠ’ના ફાર્મ હાઉસ ખાતે પણ ઈઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી, જેમાં વૈભવી બંગલામાં પીઆઈ વાઘેલા ભાડે રહેતા હતા, એના માલિક કેસર યાદવનો પેટ્રોલ પંપ છે એ પંપ ઉપરથી શેખ બાબુનો મૃતદેહ સળગાવવા માટે પેટ્રોલ લેવાયું હોવાનું માનવામાં આવે છે. તેથી ૫ેટ્રોલ પંપ ઉપર જઈ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ત્યાં જઈ ડીવીઆર કબજે કર્યું હતું, જેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. જ્યારે દુમાડ પાસેના ફાર્મ હાઉસ પાસેના કોતરોમાં પણ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.