મુંબઇ

જ્હોન અબ્રાહમ અને દિશા પાટની સ્ટાટર ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'નું શૂટિંગ મુંબઈ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. કારણ કે ટીમ મુંબઈના એક સ્લમ વિસ્તારમાં કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કર્યા વગર શૂટિંગ કરી રહી હતી. 'એક વિલન રિટર્ન્સ'ની ટીમ શુક્રવારે રાત્રે મુંબઈના વર્લી ગામમાં શૂટિંગ કરી રહી હતી. યૂનિટે થોડા સીન શૂટ કર્યા હતા અને પોલીસે બાદમાં શૂટિંગ અટકાવ્યું હતું. કારણ કે ક્રૂ કોરોનાના નિયમોનું પાલન કર્યા વગર શૂટિંગ કરી રહ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નહોતું થઈ રહ્યું અને તેથી જ પોલીસે શૂટિંગ અટકાવવું પડ્યું હતું.

વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસે શૂટિંગ અટકાવતાં ટીમ પેક-અપ કરી રહી છે અને ત્યાં એકત્રિત લોકોને પણ પોલીસ જવાનું કહી રહી છે. વીડિયોમાં મોટી સંખ્યામાં ભીડ જોઈ શકાય છે.


આ ફિલ્મ દ્વારા જ્હોન અબ્રાહમ પહેલીવાર દિશા પાટની સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને તારા સુતારિયા પણ લીડ રોલમાં છે. ફિલ્મ ડિરેક્ટર મોહિત સુરીના ડિરેક્શનમાં બની રહી છે. 'એક વિલન રિટર્ન્સ' આવતા વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની છે, જે 2014માં આવેલી ફિલ્મ 'એક વિલન'ની સીક્વલ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતા. રિતેશ દેશમુખે કિલરનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

બે દિવસ પહેલા જ શૂટિંગના સેટ પરથી જ્હોન અબ્રાહમ અને દિશા પાટનીની કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં તેઓ કેમેરાથી ઘેરાયેલા જોવા મળ્યા હતા. શૂટિંગની ઝલક જોવા માટે એકઠાં થયેલા ફેન્સને જોઈને જ્હોને હાથ પણ હલાવ્યો હતો. તસવીરોમાં દિશા શિમરી ટોપ અને ડેનિમમાં જોવા મળી હતી. જ્યારે જ્હોને શર્ટ અને ડેનિમ પહેર્યું હતું.