અમદાવાદ-

શહેરના હેબતપુર વિસ્તારમાં ચકચારી ડબલ મર્ડર કેસમા ક્રાઈમ બ્રાચે ૫ આરોપીની ધરપકડ કરી હતી. જે આરોપીઓ હાલ દસ દિવસના રિમાન્ડ પર છે. ટીપ આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેના ભાઈ, બનેવી, મિત્ર સહિત ૫ આરોપી ઝડપી લેવામા આવ્યા હતા. ત્યારે આરોપીઓની પૂછપરછ માં સામે આવ્યું કે, તેઓએ નવરંગપુરામાં પણ લૂંટના ઇરાદે એક દંપતીની હત્યા કરવા રેકી કરી હતી. પણ તે દંપતી જાગતું હોવાથી ત્યાં પ્લાન શક્ય બન્યો ન હતો. અને બાદમાં હેબતપુર જઈને વૃદ્ધ દંપતીની હત્યા કરી લૂંટ ચલાવી હતી. બીજીતરફ આરોપીઓની એવી વિકૃત માનસિકતા સામે આવી જે કબૂલાત સાંભળી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તમામ આરોપીઓમાંથી એક આરોપીએ લાશ અને લોહીથી લથબથ છરી સાથે સેલ્ફી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, બહેનના લગ્ન માટે દહેજની જરૂરીયાત હોવાથી સમગ્ર ગુનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ હતું પણ સાથે સાથે મોજશોખ માટે પણ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કારણ પણ સામે આવ્યું છે.

સોલા હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી ભરત ગૌડ, રાહુલ ગૌડ, નિતિન ગૌડ, બ્રિજમોહન ગૌડ અને આશિષ વિશ્વકર્માની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરી હતી. આરોપી ભરત અને રાહુલ બે સગા ભાઈ તો નિતીન તેનો સાળો હોવાનુ સામે આવ્યુ છે. ભરત અને રાહુલની બેનના લગ્ન હોવાથી સાસરીયા પક્ષે બુલેટ, ફ્રિજ અને ટીવીના દહેજની માંગણી કરી હતી. જે માટે તેને રૂપિયાની જરૂર ઉભી થઈ હતી. ગત ૧૪ ફેબ્રુઆરીથી ૨૪ ફેબ્રુઆરી સુધી મૃતક અશોકભાઈના ઘરે ફર્નિચર કામ માટે ગયો હતો.

ત્યાં તેને નિતિનને પણ બોલાવ્યો હતો. તે સમયે મૃતકનો પરિવાર દુબઈ રહેતો હોવાનુ સામે આવતા ૧૫ દિવસ ચોરીનું પ્લાનિંગ કરી રેકી કરવામા આવી હતી. ત્યાર બાદ ચોરીના ઈરાદે ઘરમા ઘુસ્યા હતા. રાત્રે કરફ્યુ હોવાથી વહેલી સવારનો સમય પસંદ કર્યો હતો. ઉપરાંત રેકી કરવા તથા ગુનાને અંજામ આપવા વડોદરાથી ૩ બાઈક અને ૨૦ જેટલા મોબાઈલની ચોરી કરી હતી. જેમાથી બે બાઈકનો ઉપયોગ કર્યો હતો.